સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામથી રતનપર ગામ તરફ જતા રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 2160 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દારૂ અને કાર સહિત કુલ રૂ. 9.92 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલી રહી છે.
આ કેસમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી સુનીલકુમાર ભગવાનરામ સાહુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે આરોપી ફરાર
પોલીસની પ્રાથમિક તપાસમાં દિનેશભાઈ હીરાલાલ ખીસડ અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે. બંનેને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂ. 3,92,400નો દારૂ અને રૂ. 6,00,000ની ક્રેટા કારનો સમાવેશ થાય છે. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
