સુરેન્દ્રનગરથી હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થળોની 10 દિવસની ટૂર લઈ જવાના નામે 450થી વધુ લોકો પાસેથી વ્યક્તિદીઠ રૂ. 4,200 ઉઘરાવ્યાનો આક્ષેપ થયો છે. 11 નવેમ્બરે ટૂર માટે મુસાફરો નક્કી કરેલા સ્થળે પહોંચ્યા, પરંતુ બસ ન આવતાં અને આયોજકોના ફોન બંધ આવતાં મામલો સામે આવ્યો. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે અરજદારોની પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. સંઘાડાના જણાવ્યા અનુસાર, ટિકિટદીઠ રૂ. 4,200ના હિસાબે આશરે 450 અરજદારો પાસેથી નાણાં લેવામાં આવ્યાં હતાં. હાલ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 266 જેટલા અરજદારો આવ્યા છે. તેમની પૂછપરછ બાદ લખમણ ઠાકોર, વિક્રમસિંહ પરમાર અને નટવરસિંહ ઝાલા સામે ગુનો નોંધવા કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં અરજદારોને ટૂર પર ન લઈ જઈ તેમની સાથે છેતરપિંડી થયાનું જણાયું છે.
મુસાફરોની નાણાં પરત કરવાની માગ
ફરિયાદી પ્રેમિલાબેન રામાનુજે જણાવ્યું કે આશાપુરા ટ્રાવેલ્સ તરફથી તેમને હરિદ્વાર ટૂરનું આમંત્રણ મળ્યું હતું અને તેમાં લક્ષ્મણદાસ શાસ્ત્રીનું નામ હતું. તેમના કહેવાથી તેમણે નાણાં ભર્યાં હતાં. તેમના જણાવ્યા મુજબ, શરૂઆતમાં કેટલાક લોકોને થોડા પૈસા પરત મળ્યા હતા અને બીજાને પછીથી નાણાં આપી દેવાની ખાતરી આપવામાં આવી હતી; પરંતુ તેમને પૈસા મળ્યા નહોતા. આયોજકો તરફથી હવે નાણાં પાછા મળવાની શક્યતા ન હોવાનું કહેવાતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
બસની રાહ જોતી વખતે શરૂઆતમાં આશરે 70 લોકો ભેગા થયા હતા; પછી ત્યાં 250થી 300 જેટલા લોકો એકઠા થયા હોવાનું રામાનુજે જણાવ્યું. તેમણે કહ્યું કે હવે તેઓ આયોજકો સાથે ટૂર પર જવા માગતા નથી અને ભરેલા પૈસા પાછા માગે છે.
સુરેન્દ્રનગરના શૈલેષ હિમ્મત પ્રજાપતિએ જણાવ્યું કે તેમને શંકા જતાં તેઓ બે-ત્રણ વખત ઓફિસે ગયા હતા. ત્યાં દરરોજ રૂ. 600થી 700 પરત આપવાની વાત થતાં તેમને શંકા વધુ ઘેરી બની અને તેમણે પોલીસને તપાસ કરવા કહ્યું. તેમના કહેવા મુજબ, તેમણે સ્વયંસેવક તરીકે નામ નોંધાવ્યું હતું, પરંતુ તેમની પાસેથી ફોટો કે ઓળખપત્ર લેવામાં આવ્યું નહોતું. આ મામલે પોલીસની તપાસ અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે.
