સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી કાર છોડીને ભાગેલા બે યુવકોને પોલીસે પીછો કરીને પકડી લીધા હતા. કારમાંથી દારૂની 698 બોટલ મળી આવી હતી. દારૂ, કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 8,39,570નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં ત્રણ શખ્સ સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વણોદથી એછવાડા તરફ વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર આવવાની બાતમી મળતાં હાઈવે પર વીલ્સ ઇન્ડિયા કંપની પાસે વોચ ગોઠવવામાં આવી હતી. રાત્રે 1:30 વાગ્યે બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતાં તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ચાલકે કાર એછવાડા ગામ તરફ હંકારી હતી. પોલીસે પીછો કરતાં એછવાડા કેનાલ પાસે કાર મૂકીને બે શખ્સ ભાગવા લાગ્યા હતા. પોલીસે બંનેને પકડી લીધા હતા.

પોલીસે તેમની ઓળખ રાજસ્થાનના 21 વર્ષીય ભુવનેશ નરસીંગારામ ચૌધરી અને 22 વર્ષીય સતારામ વેહનારામ જાટ તરીકે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછમાં બંનેએ દારૂ રાજસ્થાનના હરીશ નામના શખ્સે કારમાં ભર્યો હોવાનું કહ્યું હતું. હરીશને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે. આ તપાસ પીએસઆઈ વી.જે. માલવિયા કરી રહ્યા છે.

આ ઉપરાંત, દસાડા તાલુકાના નગવાડા ગામના બોર્ડ પાસે ઝીંઝુવાડાના 47 વર્ષીય ગોવિંદસિંહ બાબુભા ઝાલા દારૂ અને બિયર સાથે ઝડપાયા હતા. તેમની પાસેથી દારૂના 8 ચપલા, બિયરના 10 ટીન અને જ્યુપિટર સહિત રૂ. 16,910ની મત્તા કબજે કરાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોવિંદસિંહે આ દારૂ ઝીંઝુવાડાના રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી મેળવ્યો હોવાનું પૂછપરછમાં ખુલ્યું હતું. બંને સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાજદીપસિંહને પકડવા માટે વધુ તપાસ એચસી આર.એમ. પરમાર કરી રહ્યા છે.