સુરતના ઉધના વિસ્તારમાં આવેલી કૈલાશ નગર સોસાયટીમાં ચાંદીની ચેઇન સાફ કરી આપવાના બહાને છેતરપિંડી કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં દાગીના ચમકાવવાનું કહીને ફરતા બે શંકાસ્પદોએ એક મહિલાને વિશ્વાસમાં લઈ ચાંદીની ચેઇન સાફ કરવાની વાત કરી હતી.

ચેઇન સાફ કરવાની પ્રક્રિયા દરમિયાન મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેમણે બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ એકત્ર થયા હતા. બંને શંકાસ્પદો ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિકોએ તેમને પકડી લીધા હતા.

સ્થાનિકોએ બંને શંકાસ્પદોને પોલીસને સોંપ્યા

ઘટના બાદ સ્થળ પર લોકોની ભીડ એકત્ર થઈ હતી. મળતી માહિતી મુજબ, કેટલાક સ્થાનિકોએ બંને શંકાસ્પદોને રોકી રાખ્યા હતા અને તેમની સાથે મારપીટ પણ થઈ હતી. ભોગ બનનાર મહિલાએ પણ ગુસ્સામાં બંનેને ચપ્પલ વડે માર માર્યો હોવાની માહિતી છે.

સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બંને શંકાસ્પદોને પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે તેમની અટકાયત કરી છે અને છેતરપિંડીના કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી છે.

અગાઉની ઘટનાઓ અંગે પણ તપાસ

પોલીસ હવે બંને શંકાસ્પદોએ આ વિસ્તારમાં અગાઉ પણ દાગીના સાફ કરવાના બહાને અન્ય મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે કે નહીં, તે દિશામાં તપાસ કરી રહી છે. સમગ્ર મામલે ફરિયાદ, પૂછપરછ અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.