દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો નજીક આવતાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોની ભીડ વધી છે. 24 ઑક્ટોબરની રાતથી 25 ઑક્ટોબરની સવાર સુધીમાં અંદાજે 12થી 13 હજાર મુસાફરો બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ તરફ રવાના થયા હતા. ભીડને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ટ્રેનો અને સ્ટેશન પર મુસાફરો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વધારાના પ્લેટફોર્મ અને હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા
ડિવિઝનલ રેલવે મેનેજર પંકજસિંહના જણાવ્યા અનુસાર, ઉધના સ્ટેશન પર છેલ્લા એક વર્ષ દરમિયાન પ્લેટફોર્મ નંબર 6ને છતવાળા હાઈ-લેવલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ સુવિધાથી સ્ટેશનના પૂર્વ છેડે ટ્રેનોનું સંચાલન સરળ બન્યું છે.
સ્ટેશન પર બનાવેલા વિશાળ હોલ્ડિંગ એરિયામાં મુસાફરો માટે બેસવાની જગ્યા, પંખા, પીવાનું પાણી, વીજળી અને શૌચાલયની સુવિધા છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરોને પહેલાં આ વિસ્તારમાં રોકવામાં આવે છે અને પછી તબક્કાવાર ટ્રેનમાં પ્રવેશ અપાય છે, જેથી પ્લેટફોર્મ પર ભીડ અને ધક્કામુક્કી ટાળી શકાય.
રાતથી સવાર સુધી ટ્રેનોની અવરજવર
24 ઑક્ટોબરની રાતે 11:30 વાગ્યે હસનપુર અને રાતે 1:30 વાગ્યે મધુબની જતી ટ્રેનો રવાના થઈ હતી. ત્યારબાદ સવારે 5:30 વાગ્યે જયનગર જતી ટ્રેન ઉપડી હતી. સવારે 8:30 વાગ્યે અંત્યોદય એક્સપ્રેસ અને 10:30 વાગ્યે તાપ્તીગંગા એક્સપ્રેસ રવાના થઈ હતી.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, અંત્યોદય એક્સપ્રેસ અને તાપ્તીગંગા એક્સપ્રેસમાં ધક્કામુક્કી થઈ નહોતી અને મુસાફરોને બેસવા પૂરતી જગ્યા મળી હતી. તાપ્તીગંગા એક્સપ્રેસ ઉપડ્યા બાદ સ્ટેશન પર પહોંચેલા મુસાફરો પણ પોતાના ગંતવ્ય તરફ નીકળી ચૂક્યા હતા.
સુરક્ષા અને ટિકિટ વ્યવસ્થા
ભીડનું સંચાલન અને સુરક્ષા જાળવવા RPF તથા GRPના આશરે 100 કર્મચારીઓ તૈનાત કરાયા હતા. ટિકિટ તપાસ માટે 25 કર્મચારીઓ અને બુકિંગ માટે 13 કાઉન્ટર રાખવામાં આવ્યાં હતાં. તાત્કાલિક સારવારની જરૂર પડે તો મદદ મળી રહે તે માટે મેડિકલ ટીમ પણ સ્ટેશન પર હાજર હતી. DRM, સિનિયર DCM, ACM અને ARM સહિતના અધિકારીઓ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, 1 ઑક્ટોબરથી 15 નવેમ્બર સુધીના તહેવારી સમયગાળામાં અંદાજે 250 વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન છે. દરેક ટ્રેનમાં આશરે 2,500થી 3,000 મુસાફરોને લઈ જવાની ક્ષમતા મુજબ આયોજન કરાયું છે. ઉધના ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, દાદર અને વલસાડથી પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
