સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લગતી બે અલગ-અલગ ઘટનાઓમાં યુવક અને વકીલ સાથે મારામારી તથા ગાળાગાળી થયાની ફરિયાદ નોંધાઈ છે. બંને બનાવો અંગે મહિધરપુરા અને ઉમરા પોલીસ મથકમાં ગુના નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝાંપાબજારમાં યુવકને માર માર્યાની ફરિયાદ

પ્રથમ ઘટના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝાંપાબજાર દેવડી ખાતે બની હતી. ફરિયાદી મોહમદ શાહરૂખ ઉર્ફે માયા અબ્દુલ સત્તાર શેખ પોતાની સાસુની મિલકતના વેચાણ અંગે પૂછપરછ કરવા દાઉદી વ્હોરા પ્રોપર્ટી ટ્રસ્ટની ઓફિસે ગયા હતા.

ઓફિસમાં ભીડ હોવાથી આગળ જવા મુદ્દે ત્યાં હાજર બાઉન્સરો સાથે તેમની ધક્કામુક્કી અને બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ, તકરાર વધતાં તહા બાદશાહ તથા પાંચથી સાત બાઉન્સરોએ યુવકને ખેંચીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને ફેંટો મારીને રોડ પર પટકવામાં આવ્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બે-ત્રણ બાઉન્સરોએ સ્ટીક વડે માર મારતાં યુવકના માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને ત્રણ ટાંકા આવ્યા હતા અને શરીર તથા પીઠના ભાગે પણ મૂઢ ઈજાઓ થઈ હતી. લોકો ભેગા થતાં અને પોલીસ વાન પહોંચતાં આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હોવાનો આક્ષેપ છે. સારવાર લીધા બાદ યુવકે તહા બાદશાહ અને અજાણ્યા બાઉન્સરો સામે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અઠવાલાઇન્સ કોર્ટ બહાર વકીલ સાથે બોલાચાલી

બીજી ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠવાલાઇન્સ કોર્ટ પરિસરની સામે બની હતી. વકીલ માતાફેર રામગોપાલ પાંડે ઝાડ નીચે બેઠા હતા ત્યારે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના એક કેસને લઈને અગાઉ કામ સોંપનાર રાધેશ્યામ જયંતીલાલ દેવમોરારી ત્યાં પહોંચ્યો હતો.

ફરિયાદ મુજબ, રાધેશ્યામે કેસના પરિણામ અંગે પૂછપરછ કરી અને આપેલી રકમ પરત માગી હતી. વકીલે ઓનલાઇન ઓર્ડર ચકાસી લેવા તથા બાકીની ફી ચૂકવવા જણાવ્યું હતું. આ વાતને લઈને રાધેશ્યામ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ગાળાગાળી કરી વકીલને મારવા ધસી આવ્યો હોવાનો આક્ષેપ છે.

ઘટના બાદ વકીલે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર પર સંપર્ક કર્યો હતો. પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. આ મામલે ઉમરા પોલીસ મથકમાં રાધેશ્યામ જયંતીલાલ દેવમોરારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.