સુરતના રિંગ રોડ પર ફાલસાવાડી પોલીસ સ્ટેશન સામે મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ની કામગીરી દરમિયાન લીક થયેલી 900 મીમી વ્યાસની મુખ્ય પાણીની લાઇનનું સમારકામ હાથ ધરાશે. આ કામગીરી 21 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે શરૂ થઈને 23 ઓક્ટોબરની સવારે 5 વાગ્યા સુધી ચાલશે. તેના પગલે 22 ઓક્ટોબરે શહેરના સેન્ટ્રલ, વરાછા, ઉધના, અઠવા અને કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.
સેન્ટ્રલ અને વરાછા ઝોનમાં અસર
સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં સવારે 5થી 8 વાગ્યા સુધી પાણી નહીં મળે. રાજમાર્ગથી દક્ષિણ તરફના બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રુદરપુરા અને સોની ફળિયા ઉપરાંત રેલવે સ્ટેશન તથા સુમુલ ડેરી વિસ્તારનો પુરવઠો પણ અસરગ્રસ્ત થશે.
સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિભાગમાં સાંજે 6.25થી રાત્રે 11 વાગ્યા સુધી પુરવઠો બંધ રહેશે. દિલ્હીગેટથી ચોકબજાર અને રાજમાર્ગથી ઉત્તર તરફના મહીધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર અને નાણાવટમાં પાણીની સમસ્યા થઈ શકે છે.
વરાછા ઝોનના પૂર્વ ઝોન-એના કેટલાક વિસ્તારોમાં બપોરે 12.30થી 3.45 વાગ્યા સુધી પુરવઠો બંધ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અશ્વિનીકુમાર, ફૂલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા, સીતારામ સોસાયટી અને આઈમાતા રોડનો સમાવેશ થાય છે. રેલવે સ્ટેશન અને સુમુલ ડેરી વિસ્તાર પણ આ ઝોનની અસરની યાદીમાં છે.
ઉધના, અઠવા અને કતારગામ
ઉધના ઝોનમાં ઉધના ગામતળ, શાંતિનગર, મીરાનગર, ઉદ્યોગનગરથી મઢીની ખમણી સુધીનો વિસ્તાર, ખટોદરા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, સિવિલ હોસ્પિટલ, નવજીવન ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, શાસ્ત્રીનગર, ગાંધીનગર, ચંદનવન, ગાયત્રીનગર-1 અને 2 તથા લક્ષ્મીનગર પોસ્ટલ કોલોનીમાં પુરવઠો ખોરવાશે.
અઠવા ઝોનમાં અઠવાગેટ, લાલબંગલો, ઘોડદોડ રોડ અને ભટાર રોડની સોસાયટીઓમાં સવારે 5થી 8 વાગ્યા સુધી પાણી નહીં મળે. સિટી લાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, SVNIT અને VNHU કેમ્પસમાં સવારે 8.30થી બપોરે 12.30 વાગ્યા સુધી અસર રહેશે. કતારગામ ઝોનમાં કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી અને કતારગામ બાળાશ્રમ સહિતના વિસ્તારોમાં પણ સવારે 8.30થી બપોરે 12.30 વાગ્યા સુધી પુરવઠો બંધ રહેશે.
સમારકામ પૂરૂં થયા પછી પાણીનું સામાન્ય દબાણ પુનઃસ્થાપિત થવામાં સમય લાગી શકે છે. તેથી 23 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણે અથવા નહિવત્ પાણી મળવાની શક્યતા છે. અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા પાલિકાએ અપીલ કરી છે.
