સુરત જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે ચાર દિવસની ખાસ ઝુંબેશ યોજાશે. 18 વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારો, મતદાર યાદીમાંથી નામ કમી થયેલા નાગરિકો તથા વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છુક લોકો આ દિવસોમાં પોતાના મતદાન મથકે જઈને અરજી કરી શકશે.
જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન નાગરિકોને મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 ભરવાની સુવિધા મળશે.
ચાર દિવસ બૂથ પર હાજર રહેશે BLO
ખાસ અભિયાન માટે 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026ના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ ચારેય દિવસોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર હાજર રહેશે.
નાગરિકોએ નામ દાખલ કરવા અથવા મતદાર યાદીમાં જરૂરી સુધારા કરાવવા માટે સંબંધિત આધાર-પુરાવા સાથે મતદાન મથકે પહોંચવાનું રહેશે. ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પાત્ર ભારતીય નાગરિકો મતદાર નોંધણી માટે અરજી કરી શકે છે.
સુરત જિલ્લામાં 36,66,896 નોંધાયેલા મતદારો
સુરત જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં હાલ કુલ 36,66,896 નોંધાયેલા મતદારો છે. સમગ્ર જિલ્લામાં 5,113 મતદાન મથકો કાર્યરત છે અને એટલી જ સંખ્યામાં 5,113 BLOની નિમણૂક કરવામાં આવી છે.
ચૂંટણી તંત્રનો હેતુ એવો છે કે 18 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા નવા મતદારો, કોઈ કારણસર મતદાર યાદીમાંથી નામ કમી થયેલા નાગરિકો અને નોંધણી કે સુધારા બાકી રહેલા લોકો આ અભિયાનમાં આવરી શકાય.
માર્ગદર્શન માટે હેલ્પલાઇન 1950
મતદાર યાદી સંબંધિત પૂછપરછ, અરજી પ્રક્રિયા અથવા અન્ય માર્ગદર્શન માટે નાગરિકો જિલ્લા ચૂંટણી શાખાના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકશે. મતદાર પોતાનું નામ અને સંબંધિત વિગતોની ઓનલાઇન પણ તપાસ કરી શકે છે.
વહીવટી તંત્રએ પાત્ર નાગરિકોને આ ચાર દિવસની ઝુંબેશનો લાભ લેવા અને જરૂરી દસ્તાવેજો સાથે નજીકના મતદાન મથકે પહોંચવા અપીલ કરી છે.
