સુરતના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર કારમાં બેઠેલી મહિલાને ચપ્પો અને દેશી તમંચો બતાવી લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીઓ દાગીના લઈ શક્યા નહોતા. ઘટનાની જાણ થતાં પેટ્રોલિંગ કરી રહેલી વેસુ પોલીસની ટીમે નજીકની બાંધકામ હેઠળની ઇમારતમાં શોધખોળ કરી બે આરોપીઓને ઝડપી લીધા હતા.
મળેલી વિગતો મુજબ, ઘટના 11 ઓક્ટોબરની રાત્રે આશરે 9:30 વાગ્યે એમ્બરોસિયા બિઝનેસ હબ સામે બની હતી. મહિલા પોતાની કારમાં બેઠી હતી ત્યારે બે શખ્સો તેની પાસે આવ્યા. એકે તેના ગળા પાસે ચપ્પો મૂક્યો, જ્યારે બીજાએ માથા તરફ દેશી તમંચો તાક્યો. બંનેએ મહિલાની સોનાની ચેઇન અને બંગડીઓ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ વિરોધ કરતાં ઝપાઝપી થઈ હતી, જેમાં તેના કાંડામાં સામાન્ય ઈજા પહોંચી હતી. આરોપીઓએ કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. આસપાસના લોકો ભેગા થતાં બંને નજીકની બાંધકામ હેઠળની ઇમારતમાં છુપાઈ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ઇમારતને ઘેરી શોધખોળ હાથ ધરી અને બંનેને પકડી લીધા.
આરોપીઓ પાસેથી હથિયાર અને વાહનો કબજે
પકડાયેલા આરોપીઓની ઓળખ મહતાબ અબ્દુલ સલામ અને રોશન બુન્દુ સેફી તરીકે થઈ છે. બંને ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી દેશી તમંચો, જીવતા કારતૂસ અને ગુનામાં વપરાયેલાં અન્ય હથિયારો કબજે કર્યાં છે.
પ્રાથમિક તપાસ મુજબ, બંને 6 ઓક્ટોબરે મેરઠથી સુરત આવ્યા હતા અને રેલવે સ્ટેશન નજીકની હોટલમાં રોકાયા હતા. પોલીસે સુરતમાંથી ચોરી થયેલી એક એક્ટિવા અને એક બાઈક પણ તેમની પાસેથી કબજે કરી છે. આરોપીઓ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ અને વાહનચોરીની ઘટનાઓમાં તેમની ભૂમિકા શું છે તે અંગે તપાસ ચાલુ છે. આ કેસમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
