સુરતની વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયેલા આર્ટ એક્ઝિબિશનમાં 58થી વધુ યુવા વિદ્યાર્થીઓની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ચિત્રોમાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના, મૌલિક વિચારો અને સર્જનાત્મકતાને રંગો દ્વારા કેનવાસ પર ઉતારી હતી. પ્રદર્શન નિહાળવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના કલાપ્રેમીઓ પહોંચ્યા હતા.
પ્રદર્શનમાં વિવિધ વિષયો પર તૈયાર કરાયેલી કૃતિઓ રજૂ થઈ હતી. યુવા કલાકારોએ પોતાની અભિવ્યક્તિને ચિત્રો દ્વારા રજૂ કરતાં ઉપસ્થિત લોકોએ તેમની કૃતિઓની પ્રશંસા કરી હતી.
સ્કૂલ લાઇફ અને મિત્રતાની થીમ પર ચિત્ર
ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્યાની મહેતાએ સ્કૂલ લાઇફ અને મિત્રતાની થીમ પર પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. આ કૃતિ પૂર્ણ કરવામાં તેને આશરે બેથી ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. ધ્યાનીના જણાવ્યા મુજબ, પેઇન્ટિંગ શરૂ કરતાં પહેલાં થીમ નક્કી કરવામાં આવે છે અને ધોરણ 11માં અભ્યાસ કરતી હોવાથી તેને સ્કૂલ લાઇફ તથા મિત્રતાને કેન્દ્રમાં રાખીને ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો હતો.
ધ્યાની માટે આ તેની સંપૂર્ણ કલ્પના અને વિચારો દ્વારા તૈયાર કરાયેલી પ્રથમ પેઇન્ટિંગ હતી. તેથી આ કૃતિ તેના માટે યાદગાર બની છે. તેણે લોકોને કલા સાથે જોડાયેલા રહેવા અને તેના માટે વધુ સમય ફાળવવાનો સંદેશ આપ્યો હતો.
એક વર્ષની મહેનત બાદ ગુલમહોર સીરિઝ
કલાકાર પ્રિયા શાહે ગુલમહોર સીરિઝ પર આધારિત એક્રેલિક પેઇન્ટિંગ રજૂ કર્યું હતું. આ સીરિઝ તૈયાર કરવા માટે તેણે આશરે એક વર્ષ સુધી સંશોધન અને કામ કર્યું હતું. પ્રિયાએ કુદરતી ફૂલોની ફોટોગ્રાફીને સેલ્ફ પોટ્રેટ સાથે જોડીને તેને એક્રેલિક રંગો દ્વારા કેનવાસ પર રજૂ કરી હતી.
પ્રિયાના જણાવ્યા મુજબ, તેને ગુલમહોરના ફૂલો અને તેના કુદરતી રંગો ગમતા હોવાથી આ સુંદરતાને કેનવાસ પર જીવંત કરવાનો વિચાર આવ્યો હતો. ફોટોગ્રાફી કર્યા બાદ તેને સેલ્ફ પોટ્રેટમાં રૂપાંતરિત કરીને ચિત્રોમાં રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓમાં વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ ઉપરાંત લાંબી મહેનત અને વ્યક્તિગત અભિવ્યક્તિ પણ જોવા મળી હતી. વિવિધ વિષયોની આ કલાકૃતિઓએ પ્રદર્શનના મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
