સુરત અને ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ સેવા ઓક્ટોબર 2026થી શરૂ થવાની શક્યતા છે. રેલવે બોર્ડે આ રૂટ માટે ટ્રેન નંબર 26903 અને 26904ને મંજૂરી આપી છે. આ સેવા દક્ષિણ ગુજરાતને રાજસ્થાનના ઉદયપુર સાથે સીધી ઝડપી રેલ કનેક્ટિવિટી આપશે.
મંજૂર સમયપત્રક મુજબ ટ્રેન નંબર 26903 સુરતથી સવારે 6:10 વાગ્યે રવાના થઈ બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. લગભગ 690 કિલોમીટરનું અંતર કાપવામાં આશરે 7 કલાક 30 મિનિટ લાગશે. પરત ફરતી સેવા માટે ટ્રેન નંબર 26904 ઉદયપુર સિટીથી બપોરે 3:35 વાગ્યે ઉપડી રાત્રે 11 વાગ્યે સુરત પહોંચવાની વિગતો જાહેર થઈ છે.
રૂટમાં આ સ્ટેશનોનો સમાવેશ
સુરત-ઉદયપુર માર્ગમાં ભરુચ, વડોદરા, આણંદ, મણિનગર, અસર્વા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર સ્ટેશનો પર રોકાણ રહેશે. ટ્રેન આઠ કોચની હશે અને મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
આ સેવા શરૂ થયા બાદ ઉદયપુર સિટી-અસર્વા વંદે ભારત સેવા બંધ કરવાની પણ રેલવે બોર્ડે મંજૂરી આપી છે. નવી ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ સુરતમાં થવાનું છે, જ્યારે વડોદરા અને અસર્વા વોટરિંગ સ્ટેશન તરીકે કામ કરશે.
રેલવે સંબંધિત અહેવાલો મુજબ નિયમિત સેવા 3 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે, જ્યારે 2 ઓક્ટોબરે ઉદ્ઘાટન વિશેષ ટ્રેન દોડાવવામાં આવી શકે છે. જોકે, અંતિમ ઉદ્ઘાટન તારીખ અને બુકિંગની સત્તાવાર વિગતો રેલવે તરફથી સ્પષ્ટ થવાની બાકી છે.
