સુરત અને રાજસ્થાનના ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્રેન નંબર 26903 અને 26904 તરીકે દોડનારી આ સેવા દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને રાજસ્થાન વચ્ચે ઝડપી રેલ કનેક્ટિવિટી આપશે.

મંજૂર સમયપત્રક મુજબ ટ્રેન નંબર 26903 સુરતથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને બપોરે 1.40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 26904 ઉદયપુર સિટીથી બપોરે 3.35 વાગ્યે રવાના થઈ રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. બંને દિશામાં મુસાફરીનો સમય અંદાજે 7 કલાક 30 મિનિટ રહેશે.

માર્ગમાં નવ સ્ટોપેજ

આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર સ્ટેશને ઊભી રહેશે. એટલે સુરત અને ઉદયપુર સિવાય માર્ગમાં નવ વ્યાવસાયિક સ્ટોપેજ રહેશે. મણિનગર અને અસારવા એમ અમદાવાદમાં બે સ્ટોપેજ હોવાથી શહેરના અલગ વિસ્તારોના મુસાફરોને પણ સીધી સુવિધા મળશે.

સેવા અઠવાડિયામાં છ દિવસ ચાલશે અને મંગળવારે બંધ રહેશે. આઠ કોચની રેક સાથે ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે. સુરતમાં તેની મુખ્ય જાળવણી વ્યવસ્થા રાખવામાં આવશે, જ્યારે વડોદરા અને અસારવા ખાતે પાણી ભરવાની સુવિધા ગોઠવાશે.

નવી સેવા શરૂ થયા બાદ સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ તરફથી ઉદયપુર જતાં મુસાફરોને એક જ ટ્રેનમાં પ્રવાસનો વિકલ્પ મળશે. જોકે સેવા શરૂ થવાની ચોક્કસ તારીખ અને ભાડાં અંગેની વિગતો અલગથી જાહેર થવાની બાકી છે.