સુરતમાં એક જ દિવસમાં આગના ત્રણ બનાવ નોંધાયા. પાંડેસરામાં કાપડ યુનિટમાં લાગેલી આગમાં મશીનરી, સાડીઓ અને અન્ય સામાનને આશરે ₹1 કરોડનું નુકસાન થયું. કાપોદ્રા અને વરાછામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. ત્રણેય ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
પાંડેસરાના વડોદ ગામમાં ગણેશ નગર નજીક આવેલી ઓમ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના એક કાપડ યુનિટના ત્રીજા માળે આગ લાગી હતી. ઘટનાસમયે કામદારો યુનિટમાં હાજર હતા; આગ ફેલાતાં તેઓ નીચે દોડી આવ્યા હતા અને સુરક્ષિત રહ્યા હતા. પ્રાથમિક અહેવાલમાં આગનું કારણ શોર્ટસર્કિટ જણાવાયું છે.
આગમાં પ્રિન્ટિંગ મશીન, સાડીઓ, કાચો માલ, એર કન્ડિશનર અને વાયરિંગને નુકસાન થયું હતું. નુકસાનનો અંદાજ આશરે ₹1 કરોડ દર્શાવાયો છે. આગને પગલે ધુમાડાના ગોટા ઊઠતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી.
આઠ ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી
આગની જાણ થતાં આઠ ફાયર સ્ટેશનની આશરે 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આગ નજીકના અન્ય ઔદ્યોગિક એકમો સુધી ન ફેલાય તે માટે પણ કામગીરી કરવામાં આવી.
કાપોદ્રામાં નીલકંઠ સોસાયટી નજીક ખુલ્લામાં પડેલા હોટફિક્સના કચરામાં આગ લાગી હતી. ધુમાડો ફેલાતાં સ્થાનિકોમાં ગભરાટ થયો હતો. વરાછા રોડ પર બુટભવાની મંદિર પાસે કચરામાં આગ લાગતાં ફાયર વિભાગની ગાડીએ પાણીનો મારો ચલાવી તેને બુઝાવી હતી. આ બંને સ્થળે પણ કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
