સુરત શહેરમાં આડેધડ પથારા અને ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા મહાનગરપાલિકાએ નવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાગુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. 42,000થી વધુ શેરી ફેરિયાઓની નોંધણી પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે અને આગામી બે-ત્રણ મહિનામાં નીતિનો અમલ થાય તેવી શક્યતા છે.

મહાનગરપાલિકા દ્વારા કન્સલ્ટન્ટ એજન્સી મારફતે શહેરના તમામ ઝોનમાં વિગતવાર સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં રસ્તાની પહોળાઈ, ટ્રાફિકની ગીચતા, રાહદારીઓની અવરજવર અને સ્થાનિક પરિસ્થિતિ જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માહિતીના આધારે વેન્ડિંગ ઝોન અને નોન-વેન્ડિંગ ઝોન નક્કી કરવાનો માર્ગ તૈયાર કરવામાં આવશે.

કતારગામમાં સૌથી વધુ ફેરિયાઓની નોંધણી

ઝોનવાર આંકડાઓમાં કતારગામ ઝોનમાં 6,500થી વધુ ફેરિયાઓ નોંધાયા છે, જે શહેરમાં સૌથી વધુ છે. બીજી તરફ, ઉધના-બી ઝોનમાં સૌથી ઓછા શેરી ફેરિયાઓ રજીસ્ટર થયા હોવાનું જણાવાયું છે. સર્વેના આધારે દરેક વિસ્તારમાં વેન્ડિંગની ક્ષમતા અને ટ્રાફિક પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

એજન્સીએ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી સાથે તેના અમલીકરણ માટેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ પ્લાનનું મનપા કમિશનર સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. હવે કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી બાદ ડ્રાફ્ટને સંબંધિત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.

પોલીસ અને ફેરિયા પ્રતિનિધિઓના સૂચનો લેવાશે

પ્રક્રિયાના આગળના તબક્કામાં ટાઉન વેન્ડિંગ કમિટી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ તંત્ર સમક્ષ પોલિસીનું પ્રેઝન્ટેશન થશે. ત્યારબાદ વેપારી સંગઠનો અને ફેરિયા પ્રતિનિધિઓ પાસેથી સૂચનો લેવામાં આવશે. જરૂરી સુધારા-વધારા કર્યા પછી ટાઉન વેન્ડિંગ કમિટીની અંતિમ મંજૂરી મેળવવામાં આવશે.

ગુજરાતના સ્ટ્રીટ વેન્ડર્સ નિયમો મુજબ ટાઉન વેન્ડિંગ કમિટીને સર્વે, વેન્ડિંગ ઝોન નક્કી કરવા અને રસ્તાની પહોળાઈ, ટ્રાફિક પ્રવાહ તથા રાહદારીઓની અવરજવા ધ્યાનમાં લેવાની જવાબદારી આપવામાં આવી છે. કમિટી વેન્ડિંગના સમય અને જાહેર જગ્યાઓમાં ભીડ નિયંત્રિત કરવા સંબંધિત નિર્ણય પણ લઈ શકે છે.

સુરત મનપાએ વર્ષ 2018માં પણ આવી નીતિ માટે કામગીરી શરૂ કરી હતી, પરંતુ તે વખતે પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહોતી. હાલ નોંધણી, ઝોનવાર સર્વે અને ડ્રાફ્ટ પ્લાન તૈયાર થવાથી નીતિ અમલના તબક્કા સુધી પહોંચી છે. અંતિમ અમલ ટાઉન વેન્ડિંગ કમિટીની મંજૂરી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થશે.