સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના રસ્તા, ડ્રેનેજ, બગીચા, પાણી વિતરણ અને જાહેર સુવિધાઓને લગતાં અનેક કામોને મંજૂરી આપવામાં આવી. સમીક્ષા દરમિયાન દરખાસ્ત નંબર 02, 07 અને 14 દફતરે કરવામાં આવી હતી. તેમાં અંદાજિત કિંમતથી 10% કે તેથી વધુ નીચા ભાવની દરખાસ્તો હતી; નવા નિયમો મુજબ આવી દરખાસ્તો સામે કડક ધોરણો લાગુ પડતાં આ નિર્ણય લેવાયો. અન્ય રજૂ થયેલાં કામોને મંજૂરી અપાઈ.
સફાઈ માટે 23 ટ્રેક્ટર, રસ્તાઓના કામ પણ મંજૂર
વરાછા ઝોનમાં હોટફિક્સ અને ઔદ્યોગિક કચરો ઉપાડવા કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 60 દિવસ માટે રૂ. 42,78,000ના ખર્ચે 23 ટ્રેક્ટર ભાડે રાખવાની દરખાસ્ત મંજૂર થઈ. બપોર અને સાંજની પાળીમાં ચાર-ચાર, જ્યારે રાત્રિ પાળીમાં 15 ટ્રેક્ટર ચાલશે. દરેક ટ્રેક્ટર સાથે છ મજૂરોની ટીમ રહેશે.
લિંબાયત-ડીંડોલી વિસ્તારમાં નવા નગર ઉધના યાર્ડ સોસાયટીના રસ્તાઓ સિમેન્ટ કોંક્રિટના બનાવવા રૂ. 1,44,34,899.06નું કામ મંજૂર થયું. સરથાણા ઝોન-બીના નાના વરાછા-સરથાણા વિસ્તારમાં ફૂટપાથ, કર્બ સ્ટોન અને વોટર ટેબલના સમારકામ તથા નવા કામ માટે રૂ. 40,79,576.21નું ટેન્ડર મંજૂર કરાયું; GST અલગથી ચૂકવવાનો રહેશે. નારાયણનગર સોસાયટીના રસ્તાઓ માટે રૂ. 89,82,529.92 અને પરવત-ગોડાદરાના ડી.કે. નગર સોસાયટીના રસ્તાઓ માટે રૂ. 63,47,396.22 મંજૂર થયા. કરંજના ભગીરથનગર વિભાગ-1 અને વિભાગ-2ના રસ્તાઓ માટે અનુક્રમે રૂ. 89,80,947.83 અને રૂ. 58,34,871.80ના કામ મંજૂર કરાયાં.
બગીચા, પાણી અને ડ્રેનેજની કામગીરી
પશ્ચિમ ઝોનનાં બગીચા અને શાંતિકુંજમાં સમારકામ-જાળવણી માટે રૂ. 34,40,000નું ટેન્ડર મંજૂર થયું, જેમાં GST અલગથી ચૂકવવાનો છે. વિવિધ મ્યુનિસિપલ બગીચાઓમાં રમતગમતનાં સાધનોના સમારકામ માટે રૂ. 30,80,800નું ટેન્ડર પણ મંજૂર થયું; આ રકમ GST વગરની છે.
સીમાડા જળ વિતરણ મથકનું ત્રણ વર્ષનું સંચાલન અને જાળવણી રૂ. 54,63,792ના ખર્ચે સોંપાયું; GST આ રકમમાં સામેલ નથી. વિવિધ ઝોનની ઓવરહેડ ટાંકીઓમાં લેવલ ટ્રાન્સમીટર અને ફ્લો મીટર પૂરાં પાડી લગાડવા રૂ. 1,49,52,912.30નું કામ મંજૂર કરાયું. પાલ સુએઝ પંપિંગ સ્ટેશનનાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ સાધનો બદલવા તથા ફેરફાર કરવા રૂ. 4,46,93,709.11નો ખર્ચ મંજૂર થયો.
આંજણાના રઝાનગર સ્વસ્લમ વિસ્તારમાં જર્જરિત ડ્રેનેજ લાઇનો બદલવા રૂ. 1,25,68,308.03 અને પૂર્વ ઝોન-એના વિવિધ ટી.પી. રસ્તાઓ પર નવી ડ્રેનેજ લાઇન નાખવા તથા વિસ્તરણ માટે રૂ. 2,01,44,482.92નું કામ સોંપાયું.
અન્ય મંજૂર કામો
કતારગામ ઝોનની ગુરુકુળ વિદ્યાપીઠ અને આઈ.ડી.આઈ. ખાતે સાંસદ ગોવિંદ ધોળકીયાની ગ્રાન્ટમાંથી રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવા રૂ. 29,82,930નું ટેન્ડર મંજૂર થયું. ભેસ્તાનમાં નવો કોમ્યુનિટી હોલ બનાવવા રૂ. 2,10,87,616.32 મંજૂર કરાયા. સ્મીમેર હોસ્પિટલના એનઆઈસીયુ અપગ્રેડેશન સાથે HVAC અને વીજળીના કામ માટે રૂ. 1,03,59,910.63નું ટેન્ડર GST સહિત મંજૂર થયું.
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સાત સ્થળે પે-એન્ડ-યુઝ શૌચાલય બનાવવા રૂ. 2,49,42,022.48નું કામ મંજૂર કરાયું. મનપાનાં SML વાહનોની મરામત અને જાળવણી માટે પાંચ વર્ષના વાર્ષિક કરાર હેઠળ રૂ. 1 કરોડની મર્યાદામાં કામ સોંપાયું. ખાદ્ય પદાર્થોના વિશ્લેષણ માટે જરૂરી વપરાશી સામગ્રી, લેબવેર અને CRMની ખરીદી માટે એક વર્ષના યુનિટ રેટ કરારને રૂ. 50,99,996.90ના ખર્ચે મંજૂરી અપાઈ.
