સુરતમાં શેરબજારમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી રૂ.24.99 લાખની છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે ફરાર આરોપી અશ્વિન ગોહિલની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ બે ફરિયાદીઓને શેરબજારમાં રોકાણથી ઊંચો નફો મળશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ.24.99 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. નાણાં મળ્યા બાદ આરોપીઓએ મોબાઇલ ફોન બંધ કરી ફરિયાદીઓ સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો.

કમિશન માટે બેંક ખાતું ભાડે આપ્યાનો આરોપ

તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે અશ્વિન ગોહિલે પોતાનું બેંક ખાતું સાયબર ઠગોને રૂ.26,000ના કમિશન માટે વાપરવા આપ્યું હતું. સાયબર ક્રાઇમ સેલે ખાતાની તપાસ કરતાં તેમાં કુલ રૂ.2.72 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કમિશનની લાલચમાં સાયબર ગુનેગારોને પોતાના ખાતાનો ઉપયોગ કરવા દેતો હતો. આવા ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલા નાણાંની લેવડદેવડ માટે થતો હોવાની તપાસ કરવામાં આવી રહી છે.

NCCRP પોર્ટલ પર 37 ફરિયાદોની તપાસ

નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કરવામાં આવેલી ચકાસણીમાં અશ્વિન ગોહિલના આ જ બેંક ખાતા સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં આશરે 37 સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

હાલ સાયબર ક્રાઇમ સેલે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. તપાસનો હેતુ આ ખાતા મારફતે થયેલા અન્ય વ્યવહારો અને આંતરરાજ્ય સાયબર નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો છે. કેસમાં વધુ ધરપકડ અને વિગતો તપાસ આગળ વધે તેમ સામે આવી શકે છે.