સુરતના સરથાણા ઝોનમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્યવસ્થા સામે વાહનો અને સ્ટાફની અછત મોટો પડકાર બની છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની ઝોનવાર સમીક્ષા દરમિયાન સામે આવ્યું કે વર્ષ 2020માં સીમા વિસ્તરણ બાદ વિસ્તારમાં 50,000 કરતાં વધુ નવા આવાસો અને મિલકતો ઉમેરાઈ છે. જોકે, કચરો એકત્રિત કરવા માટે ઉપલબ્ધ વાહનોની સંખ્યા વર્ષ 2022થી મર્યાદિત રહી છે.

આરોગ્ય સમિતિના ચેરમેન અશોક રાંદેરિયા સહિતના સભ્યોએ વરાછા-બી ઝોનની મુલાકાત લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો અને સેનિટરી સ્ટાફ સાથે બેઠક કરી હતી. બેઠકમાં સ્થાનિક સ્તરે સફાઈ, કચરા નિકાલ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

67 ગાડીઓ સામે 100 વાહનોની જરૂરિયાત

સરથાણા ઝોનમાં હાલ 67 ગાર્બેજ કલેક્શન ગાડીઓ ઉપલબ્ધ છે. આ ગાડીઓ વર્ષ 2022માં ફાળવવામાં આવી હતી. ત્યારથી ઝોનનો વિસ્તાર, વસ્તી અને રહેણાક મિલકતોમાં વધારો થયો છે. પરિણામે દરેક સોસાયટી અને ઘરો સુધી વાહનો સમયસર પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.

સમિતિના ચેરમેનના જણાવ્યા અનુસાર, હાલની 67 ગાડીઓમાંથી કેટલીક જૂની થઈ ગઈ હોવાથી અવારનવાર બ્રેકડાઉન થાય છે. વિસ્તારનું કદ અને મિલકતોની સંખ્યા જોતા ઝોનમાં આશરે 100 ગાર્બેજ કલેક્શન વાહનોની તાતી જરૂરિયાત છે. તાત્કાલિક વ્યવસ્થા તરીકે ભાડે રાખેલા વાહનો અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ સરથાણા ઝોન માટે કચરા કલેક્શન અને પરિવહન વ્યવસ્થાના આધુનિકીકરણને લગતી કામગીરી માટે સપ્ટેમ્બર 2026માં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી છે. તેમાં પ્રાથમિક કચરા કલેક્શન વાહનો, બેટરી સંચાલિત વાહનો અને ટ્રાન્સફર સ્ટેશન સંબંધિત વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

આરોગ્ય વિભાગમાં 25 ટકા સ્ટાફની ઘટ

બેઠક દરમિયાન વાહનો ઉપરાંત માનવબળની અછતનો મુદ્દો પણ સામે આવ્યો હતો. સરથાણા ઝોનમાં સેનિટરી ઇન્સ્પેક્ટર, સેનિટરી સબ-ઇન્સ્પેક્ટર સહિતના આરોગ્ય વિભાગના સ્ટાફમાં આશરે 25 ટકા ઘટ હોવાનું જણાવાયું હતું.

સુપરવિઝન અને ફિલ્ડ મોનિટરિંગ માટે પૂરતો સ્ટાફ ન હોવાથી રોજિંદી સફાઈ અને કચરા કલેક્શનની દેખરેખ પર અસર પડી રહી છે. આ ઘટ પૂરી કરવા માટે વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવાની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.

ગાર્ડનિંગ વેસ્ટ માટે અલગ વ્યવસ્થાની સૂચના

સોસાયટીઓના કોમન ઓપન પ્લોટ વિસ્તારોમાં ઝાડ-પાન અને બગીચાના કચરાનો સંગ્રહ થતો હોવાથી તેના નિકાલ માટે અલગ આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય સમિતિએ રહેણાક વિસ્તારોમાં ગાર્ડનિંગ વેસ્ટનો ઝડપી અને યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે.

સમિતિના જણાવ્યા અનુસાર, સરથાણા ઝોનમાં નવી ગાડીઓ ફાળવવાની સાથે સ્ટાફની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. તેનો હેતુ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્યવસ્થાને વધુ નિયમિત બનાવવાનો છે.