સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કાપડ વેપારી સાથે ₹1.24 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ લલિતકિશન સાઢ અને રામશરણ યાદવ તરીકે થઈ છે.

પોલીસ તપાસ મુજબ, બંને આરોપીઓએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નાની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. આ માલનું પેમેન્ટ તેમણે નક્કી કરેલી સમયમર્યાદામાં રોકડ અથવા બેંક મારફતે ચૂકવી દીધું હતું. સતત સમયસર ચુકવણી થતા વેપારીને બંને પર વિશ્વાસ બેસી ગયો હતો.

મોટો જથ્થો ઉધાર લઈ પેમેન્ટ કર્યા વિના ફરાર

વિશ્વાસ કેળવાયા બાદ આરોપીઓએ વેપારી પાસેથી એકસાથે ₹1,24,00,000થી વધુ કિંમતનો કાપડનો જથ્થો ઉધાર લીધો હતો. માલની ડિલિવરી મેળવી લીધા પછી નક્કી કરેલા સમયે પેમેન્ટ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ બંને આરોપીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ગાયબ થઈ ગયા હતા.

સમયસર રકમ ન મળતાં વેપારીને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ સારોલી પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચ

આરોપીઓને શોધવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસે છટકું ગોઠવીને લલિતકિશન સાઢ અને રામશરણ યાદવને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. અગાઉ તેમણે અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આ જ પ્રકારની છેતરપિંડી કરી હતી કે કેમ અને વેપારી પાસેથી મેળવેલો કાપડનો જથ્થો ક્યાં સગેવગે કર્યો છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે.