સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે આગ લાગતા દોડધામ મચી હતી. માર્કેટ ચાલુ હોવાના સમયે બનેલી ઘટનાને પગલે ત્યાં હાજર વેપારીઓ, સ્ટાફ અને ગ્રાહકો બહાર નીકળવા માટે દોડી આવ્યા હતા.
10થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે
ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવ્યા બાદ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ચારેય તરફથી હોઝ પાઇપ વડે પાણીનો મારો ચલાવી આગને અન્ય દુકાનો અને ઉપરના માળ સુધી ફેલાતી અટકાવવાના પ્રયાસો કર્યા હતા.
કાપડનો મોટો જથ્થો હોવાથી ધુમાડો ઝડપથી પહેલા માળે ફેલાયો હતો. તેના કારણે શરૂઆતની બચાવ અને આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ હતી. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે; જોકે આગનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી.
હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે માર્કેટમાં રહેલા કાપડના માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા સાથે કૂલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
