સુરતના સારોલી વિસ્તારમાં ઓળખ છુપાવી રહેતા બિહારના એક વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સમસ્તીપુર જિલ્લાના હલોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આરોપી શિવશંકર રઘુવીર સહાની લાંબા સમયથી ફરાર હતો. સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે તેને કિરણ ટ્રાન્સપોર્ટમાંથી ઝડપી પાડ્યો હતો.

કિરણ ટ્રાન્સપોર્ટમાં હમાલી કરતો હતો

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે હલોઈ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં વોન્ટેડ શિવશંકર સહાની સારોલી ગેટ નજીક આવેલા કિરણ ટ્રાન્સપોર્ટમાં હમાલીનું કામ કરી રહ્યો છે. બાતમીમાં તેના પહેરવેશનું વર્ણન પણ આપવામાં આવ્યું હતું. તેના આધારે પોલીસે કિરણ ટ્રાન્સપોર્ટમાં કાર્યવાહી કરી અને વર્ણન સાથે મેળ ખાતા શખ્સને કોર્ડન કરીને પકડી લીધો.

પોલીસે તેની ઓળખ 26 વર્ષીય શિવશંકર રઘુવીર સહાની તરીકે કરી છે. પૂછપરછમાં તે બિહારના સમસ્તીપુર જિલ્લાના હલોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના દરવા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ઈશ્વરકૃપા રેસિડેન્સીમાં ભાડે રહેતો હતો

પોલીસ તપાસ મુજબ, ગુનો કર્યા બાદ શિવશંકર પોતાના વતનથી ભાગીને સુરત આવ્યો હતો. સારોલી ગામના હનુમાન ફળિયામાં આવેલી ઈશ્વરકૃપા રેસિડેન્સીના એક ફ્લેટમાં તે ભાડે રહેતો હતો અને પોતાની ઓળખ છુપાવીને દિવસો પસાર કરતો હતો. સુરતમાં તે કિરણ ટ્રાન્સપોર્ટમાં મજૂરીકામ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે હલોઈ પોલીસ સ્ટેશનમાં અઢી મહિના અગાઉ ગુનો નોંધાયો હતો. પરિવારની અંદર પૈસાને લઈને થતા વિવાદ બાદ તેણે પોતાના પિતા પર હુમલો કર્યો હોવાની વિગતો પૂછપરછ દરમિયાન સામે આવી છે. પિતા ઊંઘી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ કેસમાં મૃતકની પત્નીએ પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બિહાર પોલીસને સોંપવાની કાર્યવાહી

સારોલી પોલીસે શિવશંકર સહાની સામે BNSSની કલમ 72 હેઠળ કાયદેસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સમસ્તીપુરના હલોઈ પોલીસ સ્ટેશનને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે બિહાર પોલીસની ટીમ સુરત આવી આરોપીનો કબજો મેળવે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.