સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 52મી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાનો કતારગામના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં પ્રારંભ થયો છે. આ વર્ષે પ્રથમવાર નાટક જોવા માટે પ્રેક્ષકો પાસેથી 20 રૂપિયાની ટિકિટ લેવામાં આવી રહી છે અને શરૂઆતના દિવસે જ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

સ્પર્ધા માટે ઉપલબ્ધ 5,980 ટિકિટમાંથી 5,160 ટિકિટ વેચાઈ ચૂકી હતી. આ મુજબ આશરે 86 ટકા ટિકિટનું વેચાણ થયું છે. ટિકિટ વેચાણથી થતી આવક ભાગ લેનારી નાટ્ય સંસ્થાઓને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ 10 દિવસીય સ્પર્ધા 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં 10 નાટ્ય સંસ્થાઓ ભાગ લઈ રહી છે અને દરરોજ એક નાટક રજૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે નાટકની રજૂઆત રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે બાકીના દિવસોમાં નાટકો રાત્રે 8.30 વાગ્યે રજૂ થશે.

સુરત મહાનગરપાલિકા વર્ષોથી આ સ્પર્ધા મારફતે શહેરના કલાકારો અને નાટ્ય સંસ્થાઓને મંચ પૂરું પાડે છે. સ્પર્ધામાં શ્રેષ્ઠ નાટક, અભિનેતા, અભિનેત્રી અને દિગ્દર્શક સહિતની વિવિધ કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે.