સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં સોમવાર, 28 સપ્ટેમ્બરે પહેલા માળે ભીષણ આગ લાગી હતી. આગમાં સાત દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાની માહિતી છે. કાપડના મોટા જથ્થાને કારણે આગ સાથે ધુમાડો પણ ઝડપથી ફેલાયો હતો.
આગની જાણ થતાં સુરત ફાયર વિભાગે 15 ફાયર સ્ટેશનમાંથી 24 ફાયર વાહનો ઘટનાસ્થળે મોકલ્યા હતા. ફાયર કર્મચારીઓએ માર્કેટના પહેલા માળે લાગેલી આગને અન્ય દુકાનો અને ઉપરના માળે ફેલાતી અટકાવવા કામગીરી હાથ ધરી હતી. આશરે ત્રણ કલાકની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, ત્યારબાદ કૂલિંગની કામગીરી કરવામાં આવી.
ઘટના સમયે માર્કેટમાં વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકો હાજર હતા. આગ લાગતાં તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન પણ બાકી છે. ફાયર વિભાગ તથા પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
