સુરતના સચિન GIDC પોલીસ મથકની હદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ગુમ થયેલા 261 બાળકોમાંથી 260ને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસની માહિતી અનુસાર, આ કામગીરી ઓપરેશન મુસ્કાન હેઠળ હાથ ધરાઈ હતી. બાળકોને શોધવા માટે ટેકનિકલ તપાસની સાથે સ્થાનિક લોકોનું નેટવર્ક પણ ઊભું કરાયું હતું.
સચિન GIDC પોલીસની હદ લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિક પરિવારો રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સરેરાશ દર બે દિવસે 18 વર્ષથી ઓછી ઉંમરનું એક બાળક ગુમ થવાની જાણ થાય છે. કેટલાક કિસ્સામાં માતા-પિતા કામ પરથી ઘરે પરત ફરે ત્યારે બાળક ન દેખાતાં પોલીસને જાણ કરે છે; આવી જાણમાં છથી આઠ કલાકનો વિલંબ પણ થતો હોવાનું પોલીસનું કહેવું છે.
સ્થાનિક નેટવર્કથી શોધખોળ
પોલીસે શાકભાજીના વેપારીઓ, વેપારી મંડળો, દુકાનદારો, ઓટોરિક્ષા ચાલકો અને આસપાસનાં ગામોના આગેવાનોને વોટ્સએપ જૂથોમાં જોડ્યા છે. બાળક ગુમ થયાની જાણ થતાં તેનો ફોટો આ જૂથોમાં વહેંચવામાં આવે છે. પોલીસ CCTV ફૂટેજ અને ટેકનિકલ સાધનોની મદદ પણ લે છે. રેલવે અધિકારીઓ સાથે સંકલન કરીને, બાળકો પોતાના વતન તરફ જતી ટ્રેનોમાં હોવાની શક્યતા તપાસવામાં આવે છે.
પોલીસના જણાવ્યા મુજબ, તપાસમાં બાળકો ગુમ થવા પાછળ જુદાં જુદાં કારણો જોવા મળ્યાં છે. કેટલાક બાળકો માતા-પિતાના ઠપકાથી નારાજ થઈને ઘરેથી નીકળી જાય છે, તો કેટલાક રમતાં રમતાં રસ્તો ભૂલી જાય છે. તાજેતરમાં સુરત આવેલા કેટલાક બાળકોને દાદા-દાદીની યાદ આવતાં ઘર છોડ્યાના કિસ્સા પણ સામે આવ્યા છે.
દોઢ વર્ષ પછી મળી બાળકી
પોલીસે વૈષ્ણવી નામની 11થી 12 વર્ષની બાળકીનો કિસ્સો પડકારજનક ગણાવ્યો છે. તેને શોધવા સચિન GIDC પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મળીને 16 ટીમો બનાવી હતી. 300થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા બાદ બાળકી દોઢ વર્ષ પછી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બે વર્ષના આ સમયગાળામાં નોંધાયેલા 261 કેસમાંથી એક બાળક હજુ શોધવાનું બાકી છે.
