સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે છેલ્લા 10 દિવસમાં શહેરના તમામ ઝોનમાં હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. કુલ 720 એકમોની ચકાસણી દરમિયાન ગંભીર ખામીઓ જણાતાં 294ને નોટિસ આપવામાં આવી અને ₹10,30,500નો વહીવટી દંડ વસૂલાયો. તપાસમાં શંકાસ્પદ જણાયેલા ખાદ્ય પદાર્થોના 232 નમૂના લેવાયા; આરોગ્ય માટે જોખમી ગણાયેલા 549.90 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો.
ટીમોએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા, રસોડાની વ્યવસ્થા, રસોઈમાં વપરાતા પાણી અને કાચા માલની ગુણવત્તા તપાસી હતી. કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ઉપરાંત કચરા તથા ડ્રેનેજના નિકાલની વ્યવસ્થા પણ ચકાસવામાં આવી.
ઝોનવાર તપાસ અને દંડ
વરાછા A અને B ઝોનમાં 164 તપાસ દરમિયાન 124.6 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો અને ₹1.86 લાખનો દંડ થયો. ઉધના ઝોનમાં 177 તપાસ સાથે 109.7 કિલો જથ્થાનો નાશ કરાયો. કતારગામમાં 88.6 કિલો, સેન્ટ્રલમાં 71 કિલો, રાંદેરમાં 33 કિલો અને અઠવા ઝોનમાં 27.5 કિલો સામગ્રી નષ્ટ કરાઈ.
લિંબાયતમાં 41 નોટિસ સાથે સૌથી વધુ ₹2.84 લાખનો દંડ વસૂલાયો. કતારગામમાં ₹1.65 લાખ, સેન્ટ્રલમાં ₹1.24 લાખ, ઉધનામાં ₹1.04 લાખ, અઠવામાં ₹84,900 અને રાંદેરમાં ₹80,000નો દંડ થયો.
રસોડાનું લાઇવ દૃશ્ય ગ્રાહકોને બતાવવું પડશે
મનપાના જાહેરનામા મુજબ રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લગાવી તેનું લાઇવ પ્રસારણ ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે બતાવવાનું છે. તપાસ વખતે શહેરની 95 રેસ્ટોરન્ટમાં આ વ્યવસ્થા ચાલુ હોવાનું જણાયું. જ્યાં કેમેરા લગાવાયા નથી, તેમને CCTV ગોઠવી ડાઇનિંગ વિસ્તારમાં લાઇવ દૃશ્ય બતાવવા સાત દિવસની મુદત અપાઈ છે. સંચાલકોએ અગાઉ આ માટે બે મહિનાનો સમય માગ્યો હતો, પરંતુ તેમને એક અઠવાડિયાની જ મુદત મળી. સમયમર્યાદામાં પાલન નહીં થાય તો સીલિંગ સહિતની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટ, હોલ, મંદિર પરિસર કે મોટા મેદાનમાં ફૂડ સ્ટોલ ચલાવનારાઓએ હંગામી ફૂડ સેફ્ટી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સ્ટોલના કર્મચારીઓએ ગ્લોવ્ઝ, એપ્રન, ટોપી અને માસ્ક પહેરવાના રહેશે. નિયમોનો ભંગ કરનારા આયોજકો અને સ્ટોલધારકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ જાહેર કરાઈ છે.
