સુરત રેલવે સ્ટેશન પર 26 સપ્ટેમ્બરે બપોરે આશરે 3:20 વાગ્યે સગર્ભા મહિલાને અચાનક પ્રસવપીડા ઉપડી હતી. સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસ ચોકી નજીક તેઓ ઢળી પડતાં ફરજ પરના TRB જવાનો તાત્કાલિક મદદે આવ્યા હતા.

મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆનાં વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહેતાં અમલાબેન બળવંતભાઈ વસોનીયા પતિ અને નાની દીકરી સાથે વતન જવા નીકળ્યાં હતાં. પરિસ્થિતિ ગંભીર બનતાં તેમના પતિ બળવંતભાઈએ ચોકી પર હાજર TRB જવાન પ્રવીણભાઈ ખતવાસેને મદદ માટે વિનંતી કરી હતી.

ટ્રાફિક ચોકીમાં ઊભી કરાઈ આડશ

હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થઈ શકે તેમ જણાતાં પ્રવીણભાઈએ રેલવે હોસ્પિટલના મેડિકલ ઓફિસરને તાત્કાલિક બોલાવ્યા હતા. અન્ય જવાનોએ અમલાબેનને સુરક્ષિત રીતે ચોકીની અંદર ખસેડ્યાં હતાં. રાહુલ, મેહુલ, મિથુન અને પિન્ટુ નામના જવાનોએ નજીકની હોટેલમાંથી ચાદરો લાવી ચોકીની આસપાસ આડશ ઊભી કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલા રેલવે મેડિકલ ઓફિસર ડો. કૌશિક પટેલે સામાન્ય પ્રસૂતિ કરાવી હતી. બાળકીના જન્મ બાદ માતા અને પરિવારજનોને રાહત મળી હતી. માતાની તબિયતને લઈને ચિંતિત નાની દીકરી પ્રસૂતિ પૂર્ણ થાય ત્યાં સુધી તેમની નજીક રહી હતી.

માતા અને નવજાત સ્મીમેર હોસ્પિટલમાં સ્વસ્થ

પ્રસૂતિ બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે અમલાબેન અને નવજાત બાળકીને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ઉપલબ્ધ માહિતી અનુસાર બંને સ્વસ્થ છે.

સુરત ટ્રાફિક પોલીસ રીજન-2ના ઈન્ચાર્જ એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોઇન્ટ પર હાજર જવાનોએ સમયસર મહિલાને સુરક્ષિત રીતે ચોકીમાં પહોંચાડી અને રેલવેના ઇમરજન્સી ડોક્ટરની મદદથી પ્રસૂતિ શક્ય બની.