સુરત મહાનગરપાલિકાએ પુણા વિસ્તારમાં મંજૂરી વિના થયેલા બાંધકામ સામે કાર્યવાહી કરીને રણુજાધામ સોસાયટી અને વિષ્ણુપાર્ક સોસાયટીમાં બે સ્થળે બાંધકામ તોડી પાડ્યું. બંને મિલકતોને નોટિસ પાઠવ્યા બાદ પણ બાંધકામ દૂર ન કરાતાં પૂર્વ (વરાછા) ઝોન-Aની ટીમે સ્થળ પર ડિમોલિશન હાથ ધર્યું.

રણુજાધામ સોસાયટીમાં ફાઇનલ ટી.પી. સ્કીમ નં. 11 (પુણા), ફાઇનલ પ્લોટ નં. 6+7ના સબ પ્લોટ નં. 193 પર ભોંયતળિયાથી બીજા માળ સુધીના હાલના બાંધકામ ઉપરાંત ત્રીજો અને ચોથો માળ ઊભા કરાયા હતા. આ વધારાના માળ માટે મહાનગરપાલિકાની પૂર્વમંજૂરી ન હોવાનું જણાવાયું છે. આ મામલે જી.પી.એમ.સી. એક્ટ, 1949ની કલમ 260(1)(અ) હેઠળ નોટિસ આપવામાં આવી હતી. ત્યાર બાદ પણ બાંધકામ ન હટાવાતાં પાલિકાએ આશરે 400 ચોરસ ફૂટ વિસ્તારનું પતરાનું શેડ અને 470 ચોરસ ફૂટનું ચણતર તોડી પાડ્યું.

વિષ્ણુપાર્ક સોસાયટીમાં સ્લેબ અને ચણતર દૂર કરાયું

બીજી કાર્યવાહી ફાઇનલ ટી.પી. સ્કીમ નં. 12 (પુણા), ફાઇનલ પ્લોટ નં. 62ની વિષ્ણુપાર્ક સોસાયટીના સબ પ્લોટ નં. 142/52માં થઈ. અહીં ભોંયતળિયાથી ત્રીજા માળ સુધીનું બાંધકામ અનધિકૃત હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. નોટિસ બાદ પણ સંતોષકારક પગલાં ન લેવાતાં સ્થળ પર એન્ટ્રી નોટિસ આપીને ત્રીજા માળનો આશરે 150 ચોરસ ફૂટનો RCC સ્લેબ અને 200 ચોરસ ફૂટનું ચણતર દૂર કરવામાં આવ્યું. નિયમ મુજબ ડિમોલિશનનો વહીવટી ચાર્જ પણ વસૂલાયો.

કામગીરીમાં પાલિકાના 37 કર્મચારીઓ જોડાયા

ડિમોલિશન માટે શહેરી વિકાસ વિભાગના 5 આસિસ્ટન્ટ/જુનિયર એન્જિનિયર અને 6 સુપરવાઇઝર/ટેકનિકલ આસિસ્ટન્ટ સ્થળ પર હતા. તેમની સાથે 22 બેલદાર અને 4 માર્શલ સાધનો સહિત કામગીરીમાં જોડાયા હતા.

મનપાએ મંજૂરી વિના બાંધકામ ન કરવા અને નોટિસ મળ્યા પછી જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. પાલિકાના જણાવ્યા મુજબ, શહેરમાં અનધિકૃત બાંધકામ સામે આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.