સુરત શહેરમાં 28 ઑક્ટોબરે આગના બે અલગ બનાવ બન્યા. પાંડેસરાની મારૂતિ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના ગોડાઉનમાં લાગેલી આગમાં અંદાજે 40 ટન પેપર રોલ, વેસ્ટેજ પેપર અને ગોડાઉનનું ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થયું. બીજી તરફ, લિંબાયતના મડાપલ્લુ નગરમાં સંચાના ખાતામાં આગ લાગતાં પહેલા માળે ફસાયેલા બે કારીગરોને ફાયર વિભાગે સુરક્ષિત બહાર કાઢ્યા.
પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર પાસે આવેલી મારૂતિ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના ગોડાઉનના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી. આગ ફેલાતાં ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાવા લાગ્યા. ઘટનાની જાણ ઇમરજન્સી નંબર 112 મારફતે ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ગોડાઉનમાં સંગ્રહિત કાગળના જથ્થામાં આગ ફેલાઈ હતી. તેમાં અંદાજે 40 ટન પેપર રોલ, વેસ્ટેજ પેપરનો મોટો જથ્થો અને સમગ્ર ઇલેક્ટ્રિક વાયરિંગ બળી ગયું. આર્થિક નુકસાન લાખો રૂપિયાનું હોવાનો અંદાજ છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પાંડેસરામાં આગ પાંચ કલાકથી વધુ સમય પછી કાબૂમાં
સુરત મહાનગરપાલિકાના ફાયર ઓફિસર વિજય સોલંકી, જયદિપ ઇરાની અને નરોત્તમ ખલાસીની આગેવાનીમાં ડિંડોલી, ઉધના અને માનદરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓ તથા ભીમરાડ વોટર બાઉઝર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ફાયરકર્મીઓએ પાંચ કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવ્યો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો.
ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળે પહોંચ્યો હતો. ગોડાઉન સંચાલક પ્રતિકભાઈ વાસુદેવની હાજરીમાં પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ. આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કારણસર, તે જાણવા પોલીસ અને FSL તપાસ કરી રહ્યાં છે.
લિંબાયતમાં બે કારીગરોને સલામત બહાર કઢાયા
બીજી ઘટના લિંબાયતના મડાપલ્લુ નગરમાં પરિમલભાઈ મુકેશભાઈ તાડાઈવાલાના સંચા મશીનના ખાતામાં બની. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગનો ધુમાડો ઉપરના માળે ફેલાતાં ત્યાં કામ કરતા રાજુભાઈ (50) અને ઉમેશભાઈ (52) બહાર નીકળી શક્યા નહોતા. સ્થાનિકોએ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
સ્ટેશન ઓફિસર ભાવેશ કુંડલિયાની આગેવાનીમાં વોટર બાઉઝર અને ફાયર એન્જિન સાથેની ટીમ પહોંચી. ફાયરકર્મીઓએ આગ ઓલવવાની સાથે બંને કારીગરોને બહાર કાઢ્યા. આ ઘટનામાં ખાતાનાં ચાર સંચા મશીનો અને અન્ય સરસામાન બળી ગયાં. આગનું કારણ હજી સ્પષ્ટ થયું નથી અને તેની તપાસ ચાલુ છે.
