મહારાષ્ટ્રના મોહાડી ગામના ખેડૂત ગજાનંદભાઈ હરિભાઈ સરતાલેના જમણા થાપાના ગોળાનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું. સર્જરી દોઢ કલાક ચાલી હતી. તબીબી તપાસમાં તેમના જમણા થાપાનો ગોળો 60થી 70 ટકા સુધી ઘસાઈ ગયો હોવાનું જણાયું હતું, જેના કારણે તેમને ચાલવામાં મુશ્કેલી પડતી હતી.
ગજાનંદભાઈ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019માં તેમને ડાબા થાપામાં તકલીફ થઈ હતી. તે સમયે તેમણે મુંબઈ, નાસિક અને પુણેની હોસ્પિટલોમાં તપાસ તથા સારવાર કરાવી હતી. થોડા સમય પછી જમણા થાપામાં પણ દુખાવો શરૂ થયો અને વધતો ગયો. તપાસમાં તેમને ‘Avascular Necrosis of Hip’ હોવાનું નિદાન થયું હતું. આ સ્થિતિમાં થાપાના ગોળાને નુકસાન પહોંચે છે.
ઓર્થોપેડિક ટીમે કરી સર્જરી
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગની ટીમે દર્દીના રિપોર્ટ તપાસ્યા બાદ હિપ રિપ્લેસમેન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. વિભાગના યુનિટ હેડ ડૉ. મનીષ પટેલ, સિનિયર રેસિડેન્ટ ડૉ. અહેસાન અલી અને ડૉ. મિહિર પરડવાની ટીમે સર્જરી કરી. હોસ્પિટલના સ્ટાફ નર્સ સંજય પરમાર અને બિપીનભાઈએ સારવાર દરમિયાન સંકલન કર્યું હતું.
ખાનગી સારવારનો ખર્ચ ટળ્યો
ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. હરિ મેનનના જણાવ્યા અનુસાર, નવી સિવિલમાં દર મહિને સરેરાશ 20થી 25 હિપ રિપ્લેસમેન્ટ સર્જરી થાય છે. તેમના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલોમાં આવી સર્જરીનો અંદાજિત ખર્ચ ₹2.50 લાખથી ₹3 લાખ સુધી થઈ શકે છે. ગજાનંદભાઈ માટે નવી સિવિલમાં સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી. સારવાર બાદ તેમણે અને તેમના પરિવારજનોએ હોસ્પિટલના તબીબોનો આભાર માન્યો.
