સુરતમાં નવરાત્રિના ગરબા અને વિજયાદશમીના કાર્યક્રમો માટે શહેર પોલીસે સુરક્ષા, ભીડ નિયંત્રણ અને ટ્રાફિકનું આયોજન જાહેર કર્યું છે. ગરબા સ્થળોએ રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા અને લાઉડસ્પીકરની છૂટ રહેશે. આ સમયમર્યાદા પછી અવાજ ચાલુ રહે અથવા નિયમભંગની ફરિયાદ મળે તો કાયદેસરની કાર્યવાહી થશે, એમ ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે જણાવ્યું હતું.

સ્પેશિયલ બ્રાન્ચને ગરબા આયોજન માટે 25 કોમર્શિયલ અને 9 નોન-કોમર્શિયલ—શેરી ગરબા—મળીને કુલ 34 અરજીઓ મળી છે. વિજયાદશમીના રાવણ દહન માટે પણ બે સ્થળની અરજીઓ આવી છે. તમામ અરજીઓની ચકાસણી ચાલુ છે. ફાયર સેફ્ટી, પ્રવેશ-નિકાસ વ્યવસ્થા અને ઇલેક્ટ્રિક સેફ્ટી સંબંધિત જરૂરી NOC તથા પ્રમાણપત્રો મળ્યા બાદ જ આખરી મંજૂરી આપવામાં આવશે.

ભીડ અને પાર્કિંગ પર દેખરેખ

મોટા ગરબા મહોત્સવો અને ડોમમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ લોકો એકઠા ન થાય તે માટે AI આધારિત કેમેરા ગોઠવવાની યોજના છે. પોલીસના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનથી સ્થળો પર નજર રખાશે. ક્ષમતા કરતાં વધુ પાસ વેચીને ભીડ વધારનાર આયોજકો સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે.

મોટા ગરબા સ્થળોના પાર્કિંગની સમીક્ષા DCP અને એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીઓએ કરી છે. આયોજકોને પાર્કિંગ માટે વધુ જગ્યા ફાળવવા કહેવામાં આવ્યું છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ભીડ ટાળવા ટ્રાફિક બ્રાન્ચ સોશિયલ મીડિયા અને વેબસાઇટ મારફતે વૈકલ્પિક માર્ગોની જાણ કરશે.

6,000થી વધુ જવાનો બંદોબસ્તમાં

પોલીસે નવરાત્રિ બંદોબસ્ત માટે 15 DCP, 20 ACP, 60 પોલીસ ઇન્સ્પેક્ટર, 158 PSI અને 2,800 કોન્સ્ટેબલ તહેનાત રાખવાની વિગતો આપી છે. આ ઉપરાંત SRPની 3 કંપની, 1,500 હોમગાર્ડ અને 1,400 TRB જવાનો પણ ફરજ પર રહેશે. આ રીતે કુલ પોલીસ બળ 6,000થી વધુ રહેશે. મોટા ગરબા સ્થળોએ ક્વિક રિસ્પોન્સ ટીમ, PCR વાન અને બાઇક પેટ્રોલિંગ રહેશે. ફરજ પરના પોલીસકર્મીઓ બોડી-વોર્ન કેમેરા પહેરશે; અવાવરું અને અંધારાવાળા વિસ્તારોમાં ‘અસ્કા લાઇટ’ ગોઠવાશે.

મહિલાઓની સુરક્ષા માટે અંદાજે 40 SHE ટીમો પરંપરાગત ચણિયાચોળી પહેરી ગરબા સ્થળોએ હાજર રહેશે. છેડતી કે ગેરવર્તણૂક પર નજર રાખવાની સાથે DCP સ્તરે અને SOG દ્વારા ચેકિંગ થશે. સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અંગે સાઇબર સેલ ચોવીસે કલાક દેખરેખ રાખશે.

ગરબા બાદ રાત્રે એકલી ઘરે જતી મહિલાઓ, યુવતીઓ કે દીકરીઓને અસલામતી લાગે અથવા વાહન ન મળે તો તેઓ 112 પર સંપર્ક કરી શકે છે. પોલીસના જણાવ્યા મુજબ, કોલ મળ્યા બાદ ટીમ સ્થળે પહોંચીને તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરશે.