સુરતના નાસીરનગરમાં મે મહિનામાં થયેલી તોડફોડથી અસરગ્રસ્ત પરિવારોને આવાસ આપવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 23 ઑક્ટોબરે રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ નિખિલ કરિઅલની ખંડપીઠે સુનાવણી દરમિયાન મહાનગરપાલિકાએ આ પરિવારોને આવાસ આપવાના મુદ્દે પોતાનું વલણ કેમ બદલ્યું, તેનો જવાબ માગ્યો હતો.

અરજી કરનારા પરિવારો લાંબા સમયથી એક હૉલમાં રહેતા હોવાનું અદાલત સમક્ષ રજૂ થયું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે કમિશનરને હાજર રહેવા કહ્યું અને મહાનગરપાલિકાનું વલણ સીધું જાણવા ઇચ્છા વ્યક્ત કરી. કમિશનર કોર્પોરેશનના વહીવટી વડા હોવાથી આ મુદ્દે નિર્ણય લેવાની જવાબદારી તેમની હોવાનું પણ અદાલતે નોંધ્યું.

આવાસ યોજનાની ઓફર સામે વાંધો

મહાનગરપાલિકાએ 28 અસરગ્રસ્ત પરિવારોને જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNNURM) હેઠળનાં મકાનો આપવાની ઓફર કરી હતી. આ મકાનો માટે વધારાની રકમ ચૂકવવાનું કહેવામાં આવતાં પરિવારોે ઓફર સ્વીકારી નહોતી. સુનાવણીમાં અદાલતે સવાલ કર્યો કે જ્યારે મહાનગરપાલિકા પોતે આવાસ આપવાની સંમતિ દર્શાવી ચૂકી હતી, ત્યારે હવે કેન્દ્ર સરકારની યોજના હેઠળ મકાનો આપવાની શરત શા માટે મૂકાઈ રહી છે.

અદાલતે કહ્યું કે સ્થાનિક સંસ્થા પોતાનો નાણાકીય બોજો કેન્દ્ર સરકારની યોજના પર નાંખી શકે નહીં. કોર્ટે મહાનગરપાલિકાના વલણમાં આવેલા ફેરફારનું કારણ પણ જાણવા માગ્યું. જો કોર્પોરેશન અગાઉની સંમતિથી પાછળ હટતું હોય, તો એવું થવા દેવામાં નહીં આવે તેવી ટકોર પણ કરવામાં આવી.

પરિવારોનો વળતરનો વિકલ્પ

પરિવારો તરફથી અદાલતમાં સોગંદનામું રજૂ કરીને આવાસના બદલે 10 લાખ રૂપિયાનું વળતર સ્વીકારવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. તેના જવાબમાં અદાલતે કહ્યું કે સુરત મહાનગરપાલિકા વળતર ચૂકવી શકે છે અને ગેરકાયદે તોડફોડ માટે જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલવાનો વિકલ્પ પણ તપાસી શકે છે.

મે મહિનાની નાસીરનગર તોડફોડ અંગે અગાઉની સુનાવણીઓમાં પણ હાઈકોર્ટે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અને જવાબદારી નક્કી કરવાના મુદ્દા ઉઠાવ્યા હતા. હવે 23 ઑક્ટોબરની સુનાવણીમાં કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં કોર્પોરેશનનું વલણ તથા પરિવારો માટેનો આવાસ કે વળતરનો માર્ગ સ્પષ્ટ થાય છે કે નહીં, તેના પર ધ્યાન રહેશે.