સુરત શહેરના પરિવહન માળખાને આધુનિક બનાવતા મેટ્રો પ્રોજેક્ટમાં અનેક વિશિષ્ટ એન્જિનિયરિંગ સુવિધાઓ સામેલ કરવામાં આવી રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના સત્તાવાર દસ્તાવેજો મુજબ, ફેઝ-1માં બે કોરિડોર, 38 સ્ટેશન અને કુલ 40.35 કિલોમીટરનું નેટવર્ક છે. તેમાં 6.47 કિલોમીટરનો અંડરગ્રાઉન્ડ વિભાગ સામેલ છે.

સુરતના જૂના શહેરના ગીચ વિસ્તારોમાં જમીનની પહોળાઈ મર્યાદિત હોવાથી ભાગળ વિસ્તારમાં મસ્કતી હોસ્પિટલ અને કાપોદ્રા વિસ્તારમાં લાભેશ્વર પાસે સ્ટેક્ડ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ રચનામાં બંને દિશાની મેટ્રો લાઇનો બાજુબાજુમાં નહીં, પરંતુ એકબીજાની ઉપર-નીચે ગોઠવાશે. આ રીતે આસપાસની મિલકતો અને જૂના બાંધકામો પર અસર ઘટાડીને ઊભી જગ્યાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કામ માટે ટનલ બોરિંગ મશીન, ડાયાફ્રામ વોલ અને ટોપ-ડાઉન કન્સ્ટ્રક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેટ્રો પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ પેકેજમાં કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન સુધીનો વિભાગ અને ત્યારબાદ ચોક બજાર તરફનો ભાગ સામેલ છે. GMRCના વાર્ષિક અહેવાલમાં સુરત મેટ્રોના છ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો અને બે કોરિડોરની વિગતો આપવામાં આવી છે.

ડાયમંડ સિટીથી પ્રેરિત ડિઝાઇન

સુરતની ‘ડાયમંડ સિટી’ ઓળખને ધ્યાનમાં રાખીને મેટ્રો સ્ટેશનોની સીલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ કટ્સથી પ્રેરિત ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરની ઓળખ સાથે જોડાયેલી ડિઝાઇનનો આ અભિગમ સુરતના અન્ય મોટા પરિવહન પ્રોજેક્ટોમાં પણ જોવા મળે છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના સત્તાવાર વર્ણન મુજબ, સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની ફસાડ અને આંતરિક ડિઝાઇન પણ ડાયમંડ ફેસેટથી પ્રેરિત છે.

પ્રોજેક્ટમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને અડાજણ ગામના સદીઓ જૂના ‘ચોર આમલી’ વૃક્ષને બચાવવા માટે મેટ્રોનું અલાઇનમેન્ટ બદલવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. છ અંડરગ્રાઉન્ડ સ્ટેશનોને Indian Green Building Councilના ધોરણોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.

થર્ડ રેલ અને મલ્ટી-મોડલ જોડાણ

સુરત મેટ્રોમાં 750V DC થર્ડ રેલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં ઓવરહેડ વીજળીના થાંભલાઓને બદલે પાટાની બાજુના થર્ડ રેલ મારફતે વીજ પુરવઠો આપવામાં આવે છે. GMRCએ આ સિસ્ટમ માટે સપ્લાય, ટેસ્ટિંગ અને કમિશનિંગ સંબંધિત ટેન્ડર બહાર પાડ્યું હતું.

સુરત રેલવે સ્ટેશન, મેટ્રો, શહેરની બસ સેવા અને GSRTC ડેપોને જોડતા મલ્ટી-મોડલ હબની પણ યોજના છે. મજુરાગેટ સ્ટેશન બંને કોરિડોર વચ્ચેના ઇન્ટરચેન્જ તરીકે કામ કરશે. સત્તાવાર પ્રોજેક્ટ માહિતી મુજબ, કોરિડોર-1 સારથાણા–ડ્રીમ સિટી અને કોરિડોર-2 ભેસાણ–સારોલી વચ્ચેનું જોડાણ શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેશે.

ખજોદ ખાતેના ડ્રીમ સિટી ડેપોમાં ટ્રેનોના સ્ટેબલિંગ, મેન્ટેનન્સ અને વોશિંગ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ડેપો પ્રોજેક્ટમાં સ્ટેબલિંગ શેડ, ઇન્સ્પેક્શન શેડ, રિપેર વર્કશોપ, પાણી-ડ્રેનેજ અને ગંદા પાણીની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.