સુરતની સરકારી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લાને ગુજરાત આરોગ્ય વિભાગે 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. રેગિંગની ફરિયાદો અંગે ફરજ અને શિસ્તબદ્ધ જવાબદારી નિભાવવામાં બેદરકારી રાખવાના આક્ષેપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસ સુરતના સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના અનુસ્નાતક વિદ્યાર્થી ડૉ. હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટ, 2026ના રોજ જીવન ટૂંકાવ્યાની ઘટના બાદ સામે આવ્યો હતો. અહેવાલો અનુસાર, ઘટનાથી બે દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતી કથિત રેગિંગ અંગે વિભાગના વડાને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજ, સુરતના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટને પણ કારણદર્શક નોટિસ પાઠવી છે. સસ્પેન્શન દરમિયાન ડૉ. મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે અને સક્ષમ અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ મુખ્ય મથક છોડી શકશે નહીં.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગુજરાતની શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓમાં રેગિંગ તથા માનસિક સતામણી સામે કડક વલણની વાત કરી છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં એન્ટી-રેગિંગ કમિટી અને સ્ક્વોડને સક્રિય બનાવવા પણ સૂચના આપવામાં આવી છે.
