સુરતના લસકાણા વિસ્તારમાં નકલી સાબુના જથ્થાના વેચાણનો મામલો સામે આવ્યો છે. લસકાણા પોલીસે ગઢપુર રોડ પર આવેલા સહજાનંદ હબની એક ઓફિસમાં દરોડો પાડી 2,000 બોક્સમાં ભરેલા કુલ 6,000 સાબુ જપ્ત કર્યા છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની કિંમત ₹2.04 લાખ હોવાનું જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા સાબુ ‘GHAR SOAPS AYURVEDA + SCIENCE MAGIC SOAP’ નામના બ્રાન્ડના ડુપ્લિકેટ પેકિંગમાં રાખવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મોટી બ્રાન્ડના નામે બનાવટી સાબુ બજારમાં પહોંચાડીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
બે આરોપીની ધરપકડ
આ કાર્યવાહીમાં પોલીસે ચિરાગભાઈ નાગજીભાઈ રંગાણી અને દીપકભાઈ કાળુભાઈ રાદડિયાની ધરપકડ કરી છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓએ ઓફિસનો ઉપયોગ પેકિંગ માટે થતો હોવાનો દાવો કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ હવે નકલી સાબુનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો, તેનું ઉત્પાદન ક્યાં થતું હતું અને તેનો પુરવઠો કોને કરવામાં આવતો હતો તેની તપાસ કરી રહી છે. જથ્થો સપ્લાય કરનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે પણ તપાસ હાથ ધરાઈ છે.
ઓનલાઇન વેચાણની દિશામાં પણ તપાસ
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ નકલી સાબુના વેચાણ માટે ઓનલાઇન માધ્યમનો પણ ઉપયોગ થતો હોવાની શક્યતા છે. આથી ઓનલાઇન ચુકવણી કયા બેંક ખાતાંમાં જતી હતી અને ખરીદદારો સુધી માલ કેવી રીતે પહોંચાડવામાં આવતો હતો તેની વિગતો એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
પોલીસે સંબંધિત મૂળ કંપનીને કૉપીરાઇટ ભંગ અંગે ઇ-મેલથી જાણ કરી હોવાનું પણ સામે આવ્યું છે. તપાસના આધારે આ કેસમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી બહાર આવે છે કે નહીં તે સ્પષ્ટ થશે.
