સુરતના ખટોદરા GIDC વિસ્તારમાં બંધ ફેક્ટરીમાં ઘૂસેલા બે શખ્સો અંદર જ ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો ન મળતાં બંનેએ ત્રીજા માળે પહોંચી બારીમાંથી મદદ માટે બૂમો પાડી હતી.

પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઘટના રવિવાર, 27 સપ્ટેમ્બરની રાત્રે બમરોલી રોડ પર બની હતી. પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહેતા 18 વર્ષીય રોશન બિનબહાદુર સહાની અને તેના સગીર સાથીએ બંધ ફેક્ટરીને નિશાન બનાવી હોવાનો પોલીસનો દાવો છે. અંદર સામાન શોધતી વખતે બંને રસ્તો ભૂલી ગયા હતા.

બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થયા અને પોલીસને જાણ કરી. પોલીસની ટીમ સ્થળે પહોંચતાં બંને ત્રીજા માળે ફસાયેલા હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે બારીના સળિયા કાપી અને સીડીની મદદથી બંનેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા.

બહાર આવ્યા બાદ પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા. ખટોદરા પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જેમાં અન્ય ચોરીના બનાવોમાં તેમની સંડોવણી અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.