સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછા ઢાળ પાસે રસ્તા પર અચાનક ઢળી પડેલા 45 વર્ષીય પિંટુ બુધાભાઈ રાઠોડનું મોત થયું હતું. ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, પિંટુ રાઠોડ દિન દયાલ નગરમાં રહેતા હતા અને કાપોદ્રા વિસ્તારમાં ભટકતું જીવન જીવતા હતા. તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. તેમની સાથે રહેલા એક યુવકે તેમને બે વાર ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફરીથી પડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે તપાસ બાદ પિંટુ રાઠોડને મૃત જાહેર કર્યા હતા.

બીમારી અંગે પ્રાથમિક આશંકા

પરિવારજનોના જણાવ્યા અનુસાર, પિંટુ રાઠોડ છેલ્લા થોડા દિવસોથી કમળા સહિતની શારીરિક તકલીફોથી પીડાતા હોવાની માહિતી છે. અચાનક નબળાઈના કારણે તેઓ રસ્તા પર પડી ગયા હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.

પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડતાં પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ તેમને સોંપ્યો હતો.