સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બે દિવસથી ગુમ 38 વર્ષીય મહિલાનો મૃતદેહ બસ સ્ટેન્ડ નંબર-3 નજીક નહેરના કિનારેથી મળી આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણ મુજબ દોરી વડે ગળું દબાવવાથી મહિલાનું મોત થયું હતું. શરીરના અન્ય ભાગો પર પણ ઈજાનાં નિશાન મળ્યાં છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, મહિલા રવિવારે સાંજે પરિવારજનોને થોડી વારમાં પાછાં આવવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આસપાસ તપાસ છતાં કોઈ ભાળ ન મળતાં ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હતી.

મંગળવારે સવારે બસ સ્ટેન્ડ નંબર-3 નજીક હોટલ પાછળ નહેરના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. ઓળખ થયા બાદ મૃતદેહને તપાસ અને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગળા તથા શરીર પર ઈજાનાં નિશાન દેખાતાં પેનલ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું.

પોસ્ટમોર્ટમમાં દોરી વડે ગળું દબાવવાથી મોત થયાનું પ્રાથમિક તારણ નોંધાયું છે. રિપોર્ટમાં મહિલાની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે; જોકે તેની પુષ્ટિ થઈ નથી. આ અંગે વધુ સ્પષ્ટતા માટે તબીબોએ જરૂરી નમૂનાઓ લીધા છે અને તેમના અહેવાલની રાહ જોવાઈ રહી છે.

મહિલાના પતિનું અગાઉ અવસાન થયું હતું. તેઓ ઈચ્છાપોરના હીરાબુર્સ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. તેમને એક પુત્રી અને બે પુત્ર છે. પોલીસ મહિલાના મોત અંગે વધુ વિગતો મેળવવા તપાસ કરી રહી છે; નમૂનાઓના અહેવાલ આવ્યા બાદ દુષ્કર્મની આશંકા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.