સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના નેજા હેઠળ નાયબ પોલીસ કમિશનરની કચેરી SOG, સુરત સિટી અને નશાબંધી તથા આબકારી કચેરી, સુરત સિટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો હેતુ યુવા પેઢીને દારૂ, ડ્રગ્સ સહિતના વિવિધ વ્યસનોથી દૂર રાખીને સ્વસ્થ, સંસ્કારી અને નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર, SOG, સુરત સિટી રાજદીપસિંહ નકુમ, પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર, સુરત ઉત્તર નીરવ બ્રહ્મભટ્ટ, જિલ્લા શિક્ષણાધિકારી, સુરત ડૉ. ભગીરથસિંહ પરમાર તથા નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક જે. એચ. તન્ના ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ પરમ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય ભક્તિતનયદાસજી સ્વામી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો.

વિદ્યાર્થીઓએ આપ્યો વ્યસનમુક્તિનો સંદેશ

વિદ્યાર્થીઓએ નશામુક્તિનો સંદેશ આપતું નૃત્ય રજૂ કર્યું હતું. વિદ્યાર્થી બજાણીયા તક્ષે વ્યસનોથી થતા નુકસાન અને તેના ગંભીર પરિણામો અંગે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત ‘વ્યસન મુક્તિ ચિત્ર’ અને ‘સૂત્ર’ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સંતો અને ઉપસ્થિત અધિકારીઓએ પોતાના સંબોધનમાં વ્યસનમુક્ત જીવનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાનોને કુસંગ અને વ્યસનોથી દૂર રહી શિક્ષણ, સંસ્કાર, સદાચાર અને જીવનલક્ષી પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા અપીલ કરી હતી.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધા શપથ

કાર્યક્રમના અંતે ગુરુકુલના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ અન્ય લોકોને પણ નશામુક્તિ માટે જાગૃત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ, સ્વાસ્થ્ય જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.