સુરતમાં સોશિયલ મીડિયા મારફતે નકલી ચલણી નોટો મંગાવી તેને બજારમાં વટાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા પોલીસે દેવધગામ ચાર રસ્તા પાસેથી 25 વર્ષીય રમેશ ઉર્ફે જીગા જસરાજજી (જાલમ) લોહારને ઝડપી પાડ્યો છે. તેની બેગમાંથી 500 રૂપિયાના દરની 165 નકલી નોટ મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
રમેશ મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંભલગઢનો વતની છે અને હાલ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતો હતો. તે સાડી ફોલ્ડિંગનું કામ કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગોડાદરા પોલીસને મળેલી બાતમીના આધારે દેવધગામ ચાર રસ્તા પાસે રાત્રે લગભગ 11 વાગ્યે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ હિલચાલ જણાતા રમેશની અટકાયત કરી તેની બેગની તપાસ કરવામાં આવી હતી.
નકલી નોટો સામાન્ય કલર ઝેરોક્ષથી બનાવાઈ હોવાનો દાવો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જપ્ત કરાયેલી નોટો સામાન્ય કલર ઝેરોક્ષ મશીનથી બનાવવામાં આવી હતી. તેમાં વપરાયેલો કાગળ પણ હલકી ગુણવત્તાનો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ભીડભાડવાળા બજારોમાં રોજિંદા વ્યવહારો દરમિયાન આ નોટો ચલાવવાની તૈયારીમાં હતો.
પોલીસના જણાવ્યા મુજબ, રમેશે Instagram પર ‘નકલી નોટ માટે સંપર્ક કરો’ એવી જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં તેને એક અસલી નોટ સામે ત્રણ નકલી નોટ આપવાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફરના આધારે તે ગત 17 ઓગસ્ટે પોતાના પિતરાઈ ભાઈ મુકેશ ભગવતીલાલ લોહાર અને મિત્ર તુલસીરામ સાથે આસામના ગૌહાટી ગયો હતો.
ગૌહાટી ખાતે ત્રણેયે 30,000 રૂપિયા રોકડા ચૂકવીને 1 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો મેળવી હોવાનો પોલીસનો દાવો છે. ત્યાર બાદ રમેશ સંબંધીના ત્યાં ખાતામાં કામ કરવાના બહાને નકલી નોટો લઈને સુરત આવ્યો હતો. અહીં તે રોજિંદા વ્યવહારોમાં નોટો વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આસામ સુધી તપાસ લંબાવાઈ
પોલીસ સમક્ષ રમેશે કેટલીક નોટ વરસાદમાં ભીની થતાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આસામથી નોટો લાવવામાં સામેલ હોવાનું જણાવાતા મુકેશ ભગવતીલાલ લોહારની પણ અટકાયત કરવામાં આવી છે.
ડીસીપી કાનન દેસાઈના જણાવ્યા મુજબ, ગોડાદરા પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી. ગોહિલ અને સ્ટાફને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી. પોલીસે કુલ 82 હજાર રૂપિયાની નકલી નોટો કબજે કરી હોવાનું જણાવ્યું છે. નોટો કયા સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે મેળવવામાં આવી હતી અને આસામમાં આ નેટવર્ક સાથે કોણ જોડાયેલું છે તેની તપાસ માટે પોલીસની ટીમ આસામ રવાના કરવામાં આવી છે. વધુ તપાસ પીએસઆઈ જે.એસ. રામાનંદી કરી રહ્યા છે.
