સુરત શહેરમાં ગણેશોત્સવની પૂર્ણાહુતિ દરમિયાન વિસર્જન પ્રક્રિયા સતત 40 કલાક સુધી ચાલી હતી. મોટી પ્રતિમાઓ માટે જાણીતા હજીરા ઓવારા પર બીજા દિવસે પણ વિસર્જન ચાલુ રહ્યું હતું.
હજીરા ખાતે 9 ફૂટથી ઊંચી આશરે 800 વિશાળ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે 15 જેટલી ક્રેન અને 600 સ્વયંસેવકો તૈનાત હતા. સ્વયંસેવકોએ 12-12 કલાકની બે શિફ્ટમાં સેવા આપી હતી. પોલીસ અને વહીવટી તંત્રે પણ બંદોબસ્ત તથા વ્યવસ્થાપનમાં સહયોગ આપ્યો હતો.
ભક્તોને કલાકો સુધી રાહ જોવી પડી
વિશાળ પ્રતિમાઓ સાથે હજીરા પહોંચેલા ભક્તોને વિસર્જન માટે 4થી 8 કલાક સુધી રાહ જોવી પડી હતી. લાંબા ટ્રાફિક જામ વચ્ચે કેટલાક લોકો ઘરેથી નાનો ગેસ સિલિન્ડર અને જરૂરી સામાન લઈને આવ્યા હતા. રાહ જોતા ભક્તોએ રસ્તા પર જ મેગી બનાવીને ખાધી હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા.
આ વર્ષે સુરતમાં આશરે 90,000 ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં 12 ફૂટથી 25 ફૂટ સુધીની મોટી પ્રતિમાઓનો પણ સમાવેશ થતો હતો.
વિવિધ સ્થળોએ વિસર્જનની વિગતો
મગદલ્લા ઓવારા પર 2,701 અને ડુમસ નાવડી ઓવારા પર 1,433 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. હજીરા ઓવારા પર કુલ 6,412 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં બનાવાયેલા કૃત્રિમ તળાવોમાં 61,392 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.
આમ, ત્રણ મોટા ઓવારા અને કૃત્રિમ તળાવો મળીને સુરતમાં કુલ 71,938 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
