સુરતમાં ઍમ્બ્રૉઇડરી યુનિટના કામદારો અને માલિકો વચ્ચે સાપ્તાહિક રજા તથા કામના કલાકોને લઈને ચાલી રહેલો વિવાદ હજી ઉકેલાયો નથી. કામદાર સંગઠનોએ 1 ઑક્ટોબરે સુરત કલેક્ટર કચેરીએ ધરણાં યોજવાની ચીમકી આપી છે. આ ધરણાંમાં હજારો કામદારો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કામદારોની મુખ્ય માગણી અઠવાડિયામાં એક દિવસની ચાલુ પગારે રજા આપવાની છે. તેઓ કામના કલાકો 12થી ઘટાડીને 8 કલાક કરવાની અને રવિવારની રજા આપવાની પણ માગ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ, બોનસ અને ગ્રેચ્યુઇટી જેવા શ્રમલાભો આપવાની માંગણી પણ કરવામાં આવી છે.
અમરોલીની એક ઍમ્બ્રૉઇડરી યુનિટમાં કામ કરતા આઝાદ અલીએ જણાવ્યું હતું કે કામદારો 12 કલાકની સતત શિફ્ટ કરે છે અને તેના કારણે પરિવાર માટે સમય મળતો નથી. તેમના કહેવા પ્રમાણે બીમારી કે અન્ય કારણસર એક દિવસની રજા લેવાય તો પણ પગારમાં કપાત થાય છે. તેમણે કહ્યું હતું કે કામદારોને શરીર અને પરિવાર માટે અઠવાડિયામાં એક દિવસના આરામની જરૂર છે.
સુરતના ઍમ્બ્રૉઇડરી ઉદ્યોગમાં મોટાભાગના કામદારો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાંથી આવેલા છે. તેમની માસિક કમાણી 25 હજારથી 35 હજાર રૂપિયા વચ્ચે હોવાનું જણાવવામાં આવ્યું છે. કામદારોને ટાર્ગેટ પૂર્ણ કરવા બદલ બોનસ પણ મળે છે.
માલિકોનો ખર્ચ અને હરીફાઈનો તર્ક
ટૅક્સ્ટાઇલ ઍમ્બ્રૉઇડરી જોબવર્ક ઍસોસિયેશન ઑફ સુરત (તેજસ) સાથે જોડાયેલા કરુણેશ રાણપરિયાના જણાવ્યા પ્રમાણે, હાલના બિઝનેસ મૉડલમાં સાપ્તાહિક રજા આપવી શક્ય નથી. તેમના કહેવા પ્રમાણે રૉ મટીરિયલ, ભાડાં, યાર્ન, વીજળી, લોનના વ્યાજ અને મજૂરીના ખર્ચમાં વધારો થયો છે, જ્યારે હરીફાઈને કારણે જોબવર્કના ભાવમાં વધારો થયો નથી.
રાણપરિયાએ જણાવ્યું હતું કે ઍમ્બ્રૉઇડરી એકમો કામદારોને 12 કલાકના બદલે 6 કલાકની શિફ્ટ આપવા તૈયાર છે, પરંતુ સાપ્તાહિક રજા સાથે 8 કલાકની શિફ્ટ અને બાકીના કલાકોને ઓવરટાઇમ તરીકે ગણવાની માગ સ્વીકારવી મુશ્કેલ છે. તેમણે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની હરીફાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો.
એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે સુરતમાં આશરે 40 હજાર ઍમ્બ્રૉઇડરી યુનિટ, પાંચ લાખથી વધુ મશીનો અને 15 લાખ કામદારો છે. કડોદરાના યુનિટ સંચાલક હાર્દિક નાવડિયાએ દાવો કર્યો હતો કે મોટાભાગના કારીગરો હાલની વ્યવસ્થા પ્રમાણે કામ કરવા માગે છે.
લેખિત ખાતરીની માગ
‘મજદૂર બચાઓ આંદોલન’ સાથે જોડાયેલા અજય દુબેએ જણાવ્યું હતું કે કામદારોની માગણીઓ અંગે કોઈ પગલાં લેવાયા નથી. તેમના કહેવા પ્રમાણે, સરકાર તરફથી માગણીઓ ધ્યાનમાં લેવાની લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવામાં આવશે.
રજા અંગે અગાઉ થયેલા ઘર્ષણ બાદ કેટલીક જગ્યાએ કામદારોએ નોકરી છોડી હોવાના અથવા તેમને છૂટા કરવામાં આવ્યા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. જોકે, આ અંગે બંને પક્ષોના દાવાઓ અલગ છે અને વિવાદનો સત્તાવાર ઉકેલ હજી સામે આવ્યો નથી.
