સુરતના એક વરિષ્ઠ નાગરિક ડૉક્ટરને વીમા પોલિસીના નાણાં પરત અપાવવાની લાલચ આપીને રૂ.1,50,33,004ની છેતરપિંડી કરવાના આરોપસર સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ નાણાં 2018થી 2026 દરમિયાન અલગ-અલગ હપ્તામાં લેવામાં આવ્યાં હતાં.
પોલીસના આરોપ પ્રમાણે, ટોળકીએ શરૂઆતમાં ઇન્શ્યોરન્સ ઑમ્બડ્સમેનના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ડૉક્ટરનો વિશ્વાસ જીત્યો હતો અને તેમની પાસે આશરે 15 વીમા પોલિસી લેવડાવી હતી. ત્યારબાદ પોલિસીના નાણાં પરત અપાવવાની પ્રક્રિયા ચાલતી હોવાનું કહી પ્રોસેસિંગ ફી, કર અને GST સહિતના ચાર્જ માગવામાં આવ્યા. ડૉક્ટર પાસેથી રૂ.10,000થી રૂ.50,000 સુધીની રકમ જુદા જુદા હપ્તામાં ટ્રાન્સફર કરાવાઈ હોવાનો આરોપ છે.
બોગસ ખાતાં અને સિમકાર્ડનો ઉપયોગ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં 64 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર અતુલકુમાર શર્મા, મહેશ શર્મા અને ભૂતપૂર્વ કૉલ સેન્ટર એજન્ટ સોનુ ઠાકુરનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, શર્મા સસ્તા ગેસ કનેક્શન અપાવવાની વાત કરીને લોકો પાસેથી દસ્તાવેજો મેળવતો હતો. એ દસ્તાવેજોના આધારે બૅન્ક ખાતાં ખોલાવી, સિમકાર્ડ અને બૅન્કિંગ વિગતો પોતાના કબજામાં રાખતો હોવાનો આરોપ છે. ઠાકુરે અગાઉ ચોરાયેલા ગ્રાહક-ડેટાનો ઉપયોગ કરીને ડૉક્ટરનો સંપર્ક કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી 90 ડેબિટ કાર્ડ, 42 ચેકબુક, મોબાઇલ ફોન, રોકડ અને પોલિસીધારકોની વિગતો ધરાવતી શીટ જપ્ત કરી છે. અતુલ શર્મા સાથે જોડાયેલાં 47 બૅન્ક ખાતાં પણ તપાસમાં મળ્યાં છે. આ ખાતાં અંગે નૅશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર 15 રાજ્યોમાંથી નોંધાયેલી 73 ફરિયાદો મળી હોવાનું પોલીસનું કહેવું છે. આ ફરિયાદોમાં આશરે રૂ.33.10 લાખની કથિત ઑનલાઇન છેતરપિંડીનો ઉલ્લેખ છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ફરિયાદો અન્ય સાયબર ઠગ ટોળકીઓ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે; તેની તપાસ ચાલુ છે.
પોલીસે વીમા પોલિસીના બોનસ કે રિફંડ આપવાના અજાણ્યા ફોન પર વિશ્વાસ ન કરવા અને આવી કોઈ પણ વાતની સીધી વીમા કંપની પાસેથી ખાતરી કરવા નાગરિકોને અપીલ કરી છે.
