સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રસ્તાના કામમાં અવરોધરૂપ હાઈટેન્શન લાઈન, ટ્રાફિક, રેશનના અનાજની ગુણવત્તા અને જમીનના પ્રશ્નો ઉઠ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેજસ પરમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંબંધિત અધિકારીઓને રજૂઆતોનો ઉકેલ લાવવા કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. અટવાયેલા પ્રશ્નો માટે વિભાગોના અધિકારીઓને સંયુક્ત સ્થળ મુલાકાત લેવા પણ જણાવાયું હતું.
બમરોલીની વીજલાઈન અને ડિંડોલીના રેમ્પનો મુદ્દો
ધારાસભ્ય સંદીપ દેસાઈએ નવા બમરોલી રોડ પર અમીઝરા રેસિડેન્સીથી સાંઈ કે.જી. રેસિડેન્સી અને બમરોલી થઈ નવા RCC રસ્તા સુધીના માર્ગમાં આવેલી 66 KV GETCO ઓવરહેડ લાઈનને ભૂગર્ભમાં ઉતારવાની કામગીરીની સ્થિતિ પૂછી હતી. તેમણે સરસાણાના તળાવના વિસ્તરણ, નવીનીકરણ અને બ્યુટિફિકેશન માટે પણ રજૂઆત કરી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ધારાસભ્ય સંગીતાબેન પાટીલે વોર્ડ નંબર 27ના નવાગામ-ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન બ્રિજને ડિંડોલી રોડ સાથે જોડતા રેમ્પનો મુદ્દો ઉઠાવ્યો હતો. નંદનવન સોસાયટી પાસે રેમ્પનું કામ મંજૂર થયું હોવાનું જણાવી તેમણે પ્રમુખ સ્વામી બ્રિજ પાસે રસ્તામાં નડતા હાઈટેન્શન ટાવર ખસેડવા રજૂઆત કરી હતી. નિયોલ લક્ષ્મીનારાયણ લાઈનના 115 અને 116 નંબરના ટાવર અન્યત્ર ખસેડવાની માગ પણ કરાઈ હતી.
લલિતા ચોકડીનો ટ્રાફિક અને રેશનની ફરિયાદો
ધારાસભ્ય વિનોદ મોરડિયાએ કતારગામની લલિતા ચોકડી પર શ્રમિક અન્નપૂર્ણાના સ્ટોલને કારણે ટ્રાફિક જામ થતો હોવાની રજૂઆત કરી હતી. તેમણે સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા અને નાની વેડના અંબાજી મંદિર પાસેનું સબસ્ટેશન દૂર કરવા માગ કરી હતી. કલેક્ટરે આ પ્રશ્નોના હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી.
સરકારી અનાજની દુકાનોમાંથી ગ્રાહકોને સડેલું અનાજ મળતું હોવાની ફરિયાદ પણ બેઠકમાં રજૂ થઈ હતી. નિર્ધારિત સમય સુધી દુકાનો ખુલ્લી ન રાખતા દુકાનદારો સામે પગલાં લેવા અને દુકાનો પર બોર્ડ લગાવવાની રજૂઆત કરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારીએ નિવારાત્મક પગલાં લેવાની કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું.
જમીનનો કબજો અને જંત્રી અંગે રજૂઆત
પાલી-સચિન-કનસાડના ફાઇનલ પ્લોટ નંબર 202ના SEWS અનામત પ્લોટમાં રેલવે વિભાગે ગેરકાયદે કબજો કર્યો હોવાનો પ્રશ્ન સંદીપ દેસાઈએ ઉઠાવ્યો હતો. જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે પ્લોટની માપણી થઈ ચૂકી છે અને મહાનગરપાલિકાને પોતાના અધિકારક્ષેત્રની જમીનનો કબજો મેળવવા સૂચના અપાઈ છે.
પરવત પાટીયાની રણછોડનગર સોસાયટીમાં પ્લોટવાર જંત્રીનો દર બમણો કરાયો હોવાની રજૂઆત સંગીતાબેન પાટીલે કરી હતી. સોસાયટીને સૂચિત સોસાયટીમાં સમાવવા અગાઉ કરેલી અરજીનો ઉલ્લેખ કરીને તેમણે જૂના જંત્રી દર લાગુ કરવાની માગ કરી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી તાકીદ કરી હતી.
બેઠકના બીજા ભાગમાં નીતિવિષયક પ્રશ્નોની દરખાસ્ત વહીવટીતંત્ર અને સરકારને મોકલવા જણાવાયું હતું. મહેસૂલી પ્રશ્નો તથા આંગણવાડીના બાંધકામ કે જમીન ફાળવણીના મુદ્દા અલગ તારવી કલેક્ટર કચેરીને મોકલવા સૂચના અપાઈ હતી. પીવાના પાણી અને બાંધકામ માટે વિભાગો વચ્ચે સંકલન સાધવા, ઉપલબ્ધ ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કરવા તેમજ વસ્તી ગણતરી અને શિષ્યવૃત્તિની કામગીરી સઘન કરવા પણ જણાવાયું હતું.
