સુરત: દિવાળી અને આગામી તહેવારોની સિઝનમાં બજારોમાં ખરીદી વધવાની સાથે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનું જોખમ પણ વધી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વરાછા બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સહકાર ભવન ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ વેપારીઓ અને નાગરિકોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સેમિનારમાં સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર અધ્યક્ષસ્થાને રહ્યા હતા. વરાછા બેંકના જનરલ મેનેજર વિઠ્ઠલ ધાનાણી અને સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ પ્રતાપ જીરાએ ઉપસ્થિત મહેમાનો અને વેપારીઓનું સ્વાગત કર્યું હતું.
Digital Arrest અને UPI ફ્રોડ અંગે સમજ
કાર્યક્રમમાં Digital Arrest, UPI ફ્રોડ, ફિશિંગ લિંક, બનાવટી ફોનકોલ્સ અને સોશિયલ મીડિયા મારફતે થતી છેતરપિંડીની રીતો અંગે સમજ આપવામાં આવી હતી. અજાણી વ્યક્તિ સાથે OTP, PIN, CVV અથવા પાસવર્ડ ક્યારેય શેર ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઠગો ઘણી વખત બેંક, પોલીસ, સરકારી વિભાગ અથવા અન્ય વિશ્વસનીય સંસ્થાના નામે સંપર્ક કરીને વ્યક્તિગત અને નાણાકીય માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલાં તેની ખરાઈ કરવી અને અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સમાં બેંકિંગ વિગતો ન આપવી જરૂરી છે.
છેતરપિંડી થાય તો 1930 પર તરત ફરિયાદ
ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સાથે નાગરિકોની ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ મહત્વપૂર્ણ છે. તહેવારો દરમિયાન ખરીદી અને ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધતું હોવાથી વેપારીઓ તથા ગ્રાહકોએ વધુ સતર્ક રહેવું જોઈએ.
તેમણે અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ સમય ગુમાવ્યા વિના હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવી. વહેલી ફરિયાદથી નાણાંકીય નુકસાનને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
વરાછા કો-ઓપ. બેંકના ચેરમેન નરેન્દ્ર કુકડીયાએ જણાવ્યું હતું કે ડિજિટલ બેંકિંગ સેવાઓનો વ્યાપ વધતાં ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અને સાયબર જાગૃતિનું મહત્વ પણ વધ્યું છે. બેંક તરફથી ગ્રાહકોને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ અંગે જાગૃત કરવા આવા કાર્યક્રમો આગળ પણ ચાલુ રાખવાની વાત તેમણે કરી હતી.
