સુરતના એક નાગરિક પાસેથી રૂ. 5,88,909 પડાવવાના સાયબર છેતરપિંડીના કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલે મુંબઈના વેપારીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાની ફર્મના નામે રહેલું HDFC બેંકનું કરન્ટ એકાઉન્ટ દુબઈમાં રહેલા વોન્ટેડ આરોપીને માત્ર રૂ. 12,000ના કમિશન માટે આપ્યું હતું.

આ કેસમાં પોલીસે મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક રહેમવિલા વિસ્તારમાં દરોડો પાડી 46 વર્ષીય ઈમરાન યુસુફ બફાતી ખીલચીને ઝડપી પાડ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની ઓળખ અને હિલચાલ અંગે માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.

ડેટિંગ એપ મારફતે સંપર્ક કરી રોકાણની લાલચ

તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદીનો સંપર્ક ડેટિંગ એપ મારફતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ઈ-કોમર્સ બિઝનેસમાં ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને એક બનાવટી ઈ-કોમર્સ વેબસાઈટની લિંક મોકલી તેના પર આઈડી બનાવડાવ્યું હતું.

મોટો નફો મેળવવાની વાત કહી ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ. 5,88,909 જમા કરાવવામાં આવ્યા હતા. જોકે, રકમ જમા થયા બાદ કોઈ વળતર મળ્યું નહોતું અને મૂળ રકમ પણ પરત ન થતાં ફરિયાદીને છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ત્યારબાદ તેણે સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

એકાઉન્ટમાંથી રૂ. 1.36 કરોડના શંકાસ્પદ વ્યવહારો

પોલીસે આરોપીના કરન્ટ એકાઉન્ટની તપાસ કરતાં 9 એપ્રિલ, 2021થી સપ્ટેમ્બર 2026 સુધીમાં રૂ. 1,36,05,550ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. પોલીસના કહેવા મુજબ, આરોપીએ કમિશનના બદલામાં પોતાનું એકાઉન્ટ સાયબર છેતરપિંડીની રકમની હેરફેર માટે ઉપલબ્ધ કરાવ્યું હતું.

સુરત સાયબર ક્રાઈમ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. તપાસનો ઉદ્દેશ્ય આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને દુબઈમાં રહેલા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાનો છે.