મહારાષ્ટ્રના સંભાજીનગરની 22 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિની રવિતા વસાવેના તાળવામાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં પાંચ કલાકની સર્જરી કરીને 2×2 સેન્ટિમીટરની ગાંઠ દૂર કરવામાં આવી. દાંત વિભાગના વડા ડો. ગુણવંત પરમાર અને ઈએનટી વિભાગના વડા ડો. જયમિન કોન્ટ્રાક્ટર સહિતની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન કર્યું હતું.

રવિતાના જણાવ્યા મુજબ, તેમને બાળપણથી દાઢમાં દુખાવો રહેતો હતો. સમય જતાં દુખાવો વધ્યો અને આંખમાં પણ પીડા શરૂ થઈ. જુલાઈમાં તેઓ સંભાજીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયાં હતાં, જ્યાં બાયોપ્સી કરવામાં આવી હતી. જોકે, દર્દીઓની ભીડને કારણે આગળની સારવાર થઈ શકી નહોતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં તેઓ સુરત સિવિલ હોસ્પિટલ આવ્યાં.

ગાંઠ નાક અને સાઇનસ સુધી પહોંચી હતી

સુરત સિવિલમાં સીટી સ્કેન કરાવ્યા બાદ તાળવાના ભાગે ગાંઠ હોવાનું નિદાન થયું. ગાંઠ વધી રહી હોવાથી તબીબોએ તાત્કાલિક સર્જરીનું આયોજન કર્યું. ડો. ગુણવંત પરમારના જણાવ્યા અનુસાર, દાંતના ચેપ બાદ ગાંઠ વિકસી હતી અને તાળવામાંથી વધીને નાક તથા સાઇનસ સુધી પહોંચી હતી.

તબીબે જણાવ્યું કે આવી સર્જરીમાં નાક અને તાળવા વચ્ચે કાણું પડવાનું જોખમ રહે છે. ગાંઠ વધુ વધે તો આંખને તકલીફ થવાની તેમજ શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની શક્યતા પણ રહેતી હતી. આ જોખમને ધ્યાનમાં રાખીને ટીમે પાંચ કલાક સુધી સર્જરી કરી ગાંઠ દૂર કરી.

રવિતાએ સર્જરી બાદ રાહત મળ્યાનું જણાવ્યું અને સારવાર કરનાર તબીબી ટીમનો આભાર માન્યો. સુરત સિવિલના દાંત અને ઈએનટી વિભાગના તબીબોએ આ ઓપરેશન સાથે મળીને કર્યું હતું.