સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એમેથીસ્ટ વેલનેસ એન્ડ સ્પા સેન્ટરમાં થેરાપી દરમિયાન પ્રાઇવેસી ભંગ અને ત્યારબાદ થયેલા વિવાદને લઈને ઉમરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. ચાર મહિનાની ગર્ભવતી મહિલાએ સ્પા સેન્ટર સામે છેડતી અને પ્રાઇવેસી ભંગનો આક્ષેપ કર્યો છે, જ્યારે સ્પા કર્મચારીએ મહિલા અને તેના પતિ સામે હુમલો, ધમકી અને તોડફોડની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મહિલાએ ઓનલાઇન રિવ્યુના આધારે સેન્ટરમાં ફિઝિયોથેરાપી અને મસાજ સેશન બુક કરાવ્યું હતું. બુકિંગ સમયે તેને માત્ર મહિલા સ્ટાફ સેવા આપશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનો મહિલાનો દાવો છે. સેશન શરૂ થયાના આશરે 10થી 15 મિનિટ બાદ રૂમમાં કોઈની હાજરી અને અવાજનો અહેસાસ થતાં તેણે આંખો ખોલી હતી. ત્યારે રિસેપ્શનિસ્ટ મહિલા સાથે એક અજાણ્યો યુવક રૂમમાં ઊભો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.
મહિલાના જણાવ્યા અનુસાર, તેણે બૂમાબૂમ કરતાં બંને વ્યક્તિઓ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તેણે રૂમ અંદરથી બંધ કરીને કપડાં બદલ્યાં અને પોતાના પતિને ફોન કર્યો. દંપતીએ સ્પા મેનેજર પાસે આ અંગે ખુલાસો માગ્યો હતો. મહિલાની ફરિયાદ મુજબ, કર્મચારીઓએ સેન્ટરમાં કોઈ પુરુષ સ્ટાફ ન હોવાનું જણાવ્યું હતું. આશરે દોઢ કલાક બાદ મેનેજર પહોંચ્યા, પરંતુ તેમની તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
મહિલાની ફરિયાદના આધારે ગુનો
મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદમાં માત્ર મહિલા સ્ટાફની ખાતરી છતાં બંધ રૂમમાં અજાણ્યા પુરુષને પ્રવેશવા દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે BNSની કલમ 77 સહિતની સંબંધિત જોગવાઈઓ હેઠળ અજાણ્યા પુરુષ અને સ્પા સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. આ આરોપોની સત્યતા અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.
સ્પા કર્મચારીની ક્રોસ ફરિયાદ
બીજી તરફ, સ્પામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 20 વર્ષીય દિપા સાહુએ મહિલા ગ્રાહક સિમરન શર્મા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. કર્મચારીના આક્ષેપ મુજબ, મહિલા થેરાપી રૂમમાંથી બહાર આવીને ગાળાગાળી અને થપ્પડ મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ આવેલા તેના પતિએ રિસેપ્શન કાઉન્ટર પર પડેલો માર્બલ પથ્થર, કાચની બોટલ અને લાકડાનું બોક્સ કર્મચારીઓ તરફ ફેંક્યું હતું. ફરિયાદમાં સેન્ટરમાં હંગામો અને નુકસાન પહોંચાડવાનો પણ આક્ષેપ છે.
પોલીસે આ ફરિયાદના આધારે મહિલા અને તેના પતિ સામે BNSની કલમ 115(2), 324(2) અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે. ઉમરા પોલીસ સ્પા સેન્ટર અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. રૂમમાં ખરેખર કોણ ગયું હતું અને ત્યારબાદ રિસેપ્શન વિસ્તારમાં શું બન્યું હતું તે અંગે તપાસ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
