સુરતના ચોકબજાર વિસ્તારમાં એક મહિલા વકીલને પોતાની ઓળખ છુપાવી સંબંધમાં ફસાવ્યાના આરોપમાં પોલીસે રહીમ રઝાક મુસલમાન ઉર્ફે રહીમ શેખની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ, આરોપીએ પોતાનું નામ ‘રોહન’ હોવાનું કહી મહિલા વકીલ સાથે નિકટતા કેળવી હતી. કેસમાં લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદી મહિલા વકીલના જણાવ્યા અનુસાર, આરોપી પોતાની ઓફિસમાં પણ ‘રોહન’ નામે ઓળખ આપતો હતો. તે હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવતો હોવાનો દેખાવ કરતો અને આ રીતે ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હોવાનો આક્ષેપ છે. બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા બાદ આરોપી ગણેશ ઉત્સવની પૂજા તથા સત્યનારાયણની કથામાં પણ તેની સાથે બેઠો હતો.
ઓફિસમાં સિંદૂર ભર્યાનો અને લગ્નનું વચન આપ્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, આરોપીએ મહિલા વકીલની ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર પૂર્યું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. પરિવારની હાજરીમાં ટૂંક સમયમાં વિધિવત લગ્ન કરવાની વાત કહી તેણે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. જોકે, મહિલા વકીલે લગ્ન માટે દબાણ કરતાં આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.
આ દરમિયાન ફરિયાદીને જાણ થઈ કે રહીમ શેખે એક સિનિયર એડવોકેટ અબ્દુલ વહાબ શેખની દીકરી સાથે નિકાહ કર્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ અંગે વિરોધ કરતાં આરોપીએ મહિલા વકીલ સાથે મારપીટ કરી હતી અને તેની જાતિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ સાથે ગાળાગાળી કરી હતી.
સાડા ચાર મહિના બાદ ધરપકડ
મહિલા વકીલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે રહીમ રઝાક મુસલમાન શેખ સામે બળાત્કાર, છેતરપિંડી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ SC-ST સેલના ACP મુકેશ ઉપાધ્યાયને સોંપવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુનો નોંધાયા બાદ આરોપી લગભગ સાડા ચાર મહિનાથી ફરાર હતો. બાતમીના આધારે ચોકબજાર પોલીસે તેને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં ઓળખ છુપાવવી, લગ્નનું વચન અને સંબંધ અંગેના તમામ આક્ષેપોની તપાસ હવે પોલીસ કરશે.
