સુરત શહેરમાં છઠ પૂજાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં આ વર્ષે અંદાજે 4થી 5 લાખ શ્રદ્ધાળુ છઠ પૂજામાં જોડાય તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી શહેરમાં 18થી 20 જેટલા સ્થળોએ ઘાટ અને પૂજાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
ડિંડોલીના છઠ સરોવર સહિત તાપી નદીના કિનારા અને કૃત્રિમ તળાવો પર પૂજા માટેની તૈયારીઓ ચાલી રહી છે. છઠ પૂજા ઉત્તર ભારતના પરિવારો માટે મહત્વનો તહેવાર હોવાથી દર વર્ષે તેમાં જોડાતા વ્રતીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ડિંડોલીમાં જગ્યા રોકવા અંગે સમાજની સ્પષ્ટતા
ડિંડોલીમાં ઘાટ પર નામ અને નંબર લખીને જગ્યા રોકવાની પ્રથા અંગે બિહાર સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા મુજબ, કોઈ સંસ્થા દ્વારા ઘાટ પર જગ્યા રિઝર્વ કરવાની સત્તાવાર વ્યવસ્થા કરવામાં આવતી નથી. કેટલાક લોકો પોતાની અનુકૂળતા માટે નાના મંડપ અથવા સામાન મૂકી જગ્યા રોકે છે.
સમાજે લોકોને આવી રીતે જગ્યા રોકવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે. આયોજકોનો દાવો છે કે છઠ પૂજા માટે આવતા તમામ શ્રદ્ધાળુઓને સમાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને કોઈને જગ્યા મળતી નથી તેવી સ્થિતિ ઊભી થતી નથી.
વતન જતા મુસાફરો માટે વધારાની ટ્રેનોની માંગ
દિવાળી અને છઠ પૂજાના સમયગાળામાં સુરતથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા તરફ મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. આ કારણે સુરત રેલવે સ્ટેશન અને અન્ય રેલવે મથકો પર ભારે ભીડ રહે છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે છતાં મુસાફરોની સંખ્યા સામે તે પૂરતી પડતી નથી.
બિહાર-ઝારખંડ સમાજ ટ્રસ્ટે રેલવે વિભાગને ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારવા અપીલ કરી છે. સાથે જ ટ્રેનની રાહ જોતા મુસાફરો માટે સ્ટેશનની બહાર છાંયડો અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અજય ચૌધરીના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરોને વતન જવા માટે 12થી 24 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. તેથી તહેવારો દરમિયાન મુસાફરોને લાંબા સમય સુધી તડકામાં રાહ ન જોવી પડે તે માટે રેલવે અને સ્થાનિક તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવી જરૂરી છે.
