સુરતના અશ્વિનીકુમાર રોડ પર શિવનગર નજીક આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટમાં ગુરુવારે સાંજે રૂમની છતનો સ્લેબ અચાનક તૂટી પડતાં 19 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત થયું હતું. મૂળ ઉત્તર પ્રદેશનો વતની આલોક શિવરતન કોરી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતો હતો.

આલોક સાંજે રૂમમાં એકલો આરામ કરી રહ્યો હતો ત્યારે જોરદાર ધડાકા સાથે છતનો સ્લેબ ધરાશાયી થયો હતો. તે કાટમાળ નીચે દબાઈ ગયો હતો. અવાજ સાંભળીને આસપાસના રહીશો એકત્ર થયા હતા અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડે કાટમાળ હટાવી યુવકને બહાર કાઢ્યો

ફાયર બ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવી આલોકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

આલોક ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે તેના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો અને તેને એક મોટી બહેન છે. તેના માતા-પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. પુત્રના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.

પિતાએ મકાનમાલિક સામે આક્ષેપ કર્યો

આલોકના પિતા શિવરતન કોરીએ જણાવ્યું હતું કે પરિવાર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ ફ્લેટમાં ભાડે રહે છે. તેમના આક્ષેપ મુજબ, મકાન બહારથી જર્જરિત દેખાતું હોવા છતાં મકાનમાલિકે મકાનના જોખમ અંગે તેમને જાણ કરી નહોતી.

પિતાએ પુત્રના મોત માટે જવાબદાર લોકો સામે પગલાં ભરવા અને પરિવારને ન્યાય અપાવવાની માગણી કરી છે.