સુરતના વરાછા ઝોન-એમાં કાપોદ્રાના શ્રી રામનગરથી અંજની બુટ ભવાની સુધીની ખાડીમાં મચ્છરોના ઉપદ્રવને કાબૂમાં લેવા સુરત મહાનગરપાલિકાએ 23થી 25 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસની વિશેષ ઝુંબેશ ચલાવી હતી. ખાડીના દુર્ગમ ભાગમાં દવાનો છંટકાવ કરવા ડ્રોનનો ઉપયોગ કરાયો હતો.
શ્રી રામનગર, શ્રીજીનગર, સહયોગ-1 અને 2 તથા માતૃશક્તિ સોસાયટી પાસેથી પસાર થતી ખાડીના આસપાસના વિસ્તારોમાં મચ્છરોની ફરિયાદો બાદ આ કાર્યવાહી કરાઈ હતી. 22 એન્ટી-લાર્વલ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ 135 બેલદારોએ ખાડીમાં લાર્વા નાશક કામગીરી કરી. સહયોગ સોસાયટી પાસેના 300 મીટરના દુર્ગમ ખાડી વિસ્તારમાં ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
30 સોસાયટીમાં આરોગ્ય સર્વે
130 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ટીમે 30 સોસાયટીનાં 12,859 ઘરો અને 35,927 લોકોનો સમાવેશ કરતો સર્વે કર્યો હતો. તપાસ દરમિયાન તાવના 14 કેસ મળતાં 149 લોહીના નમૂના પરીક્ષણ માટે લેવાયા. ટીમે 35,387 પ્રજનન સ્થળ તપાસ્યાં; તેમાંથી મચ્છરના 92 પોઝિટિવ સ્થળ મળ્યાં હતાં, જેનો તાત્કાલિક નાશ કરાયો.
ખાડીકાંઠે ફોગિંગ
ખાડીની આસપાસની સોસાયટીઓમાં 1.5 કિલોમીટરના વિસ્તારમાં 150થી વધુ કર્મચારીઓએ કામગીરી કરી. ઘરોની અંદર ઇન્ટ્રાડોમેસ્ટિક અને ખાડી વિસ્તારમાં પેરીડોમેસ્ટિક એન્ટી-લાર્વલ ટ્રીટમેન્ટ હાથ ધરાઈ.
ફોગિંગ માટે 28 બેલદારોએ 17 હેન્ડીસેટ મશીનથી 30 રાઉન્ડ કર્યા. આ ઉપરાંત 8 લીકો જીપ મશીનથી 15 રાઉન્ડ ચલાવાયા. આ કામગીરી દ્વારા કુલ 57 સોસાયટીમાં આઉટડોર ફોગિંગ કરાયું હતું.
